Thursday, January 2News That Matters

દક્ષિણ ગુજરાત-સંઘપ્રદેશમાં વરુણદેવે વરસાવ્યું વ્હાલ, 5 દિવસ વહેલા થયું આગમન

વાપી :- દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવનું વહેલું આગમન થયુ છે. મંગળવાર-બુધવારે મેઘરાજાની પધરામણી થતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અસહ્ય તાપની પીડા સહન કરતા નગરજનો ઠંડકનો એહસાસ કરી રહ્યા છે. સમગ્ર પંથકમાં 30 કલાકમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે. જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં 5056 ક્યુસેક નવા નીર આવ્યાં છે. 

દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં મેઘરાજાના વહેલા આગમનથી જેમ નદીનાળા છલકાયા છે. તે સાથે જ નદી, તળાવ, ડેમમાં નવા નીર આવ્યાં છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમમાં 5056 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. 462 ક્યુસેક પાણી દમણગંગા વિયરમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની જળસપાટી 68.30 મીટરે સ્થિર રહી છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ 8 જુનના સવારના 9 વાગ્યાથી 9 જુનના બપોરના 12 વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં 71mm, વાપી તાલુકામાં 25mm, પારડી-ધરમપુર તાલુકામાં 15-15mm, ઉમરગામ તાલુકામાં 06mm જ્યારે વલસાડ તાલુકામાં 04mm વરસાદ વરસ્યો હતો. દાદરા નગર હવેલી કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગત મુજબ 8મી જુનના સવારના 8 વાગ્યાથી 9મી જુનના સવારના 8 વાગ્યા સુધીમાં 72.6mm વરસાદ વરસ્યો છે.  
દાદરા નગર હવેલીમા મંગળવારની મોડીરાતથી જ વરસાદનું આગમન થયુ હતુ. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બાલદેવી અને આસપાસના વિસ્તારમા નદીનાળા છલકાતા સ્થાનિક લોકોએ માછલી પકડવાની મજા માણી હતી. ગ્રામ્ય વિસ્તારમાં બે ફળિયા કે ગામને જોડતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા વાહનચાલકોએ તકલીફનો સામનો કર્યો હતો. 
આ પંથકમાં ચોમાસાની નિયત શરૂઆત કરતા 5 દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું છે. વહેલા વરસાદને કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતાં. આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન થયું છે. જ્યારે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો ડાંગરની ખેતી માટે ખેડ અને રોપણીની તૈયારી કરતા જોવા મળ્યા હતાં. 
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરુણદેવનું વહેલું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. તો, અસહ્ય તાપની પીડા સહન કરતા નગરજનોએ પણ ટાઢકનો એહસાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *