Friday, October 18News That Matters

વાપીની KBS કોલેજમાં જાણીતા સ્પીકર જય વસાવડાએ વિદ્યાર્થીઓને શીખવ્યા જીવનની કારકિર્દીના પાઠ

વાપીમાં ચણોદ સ્થિત KBS નટરાજ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કારકિર્દીમાં પણ આગળ વધે, ડ્રગ્સ જેવા વ્યસનથી દૂર રહે, મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરે તે માટે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાનો મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોલેજના યુવાનોએ જય વસાવડાને સાંભળ્યા હતાં. યુવાનોએ જય વસાવડા પાસેથી ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું હતું.

વાપી માં ચણોદ ખાતે આવેલ KBS નટરાજ કોલેજમાં આયોજિત મોટીવેશનલ સેમિનાર અંગે સ્પીકર જય વસાવડાએ જણાવ્યું હતું કે, આજની પેઢીના યુવાનો પારદર્શક છે. તેમને જો સાચી દિશા આપવામાં આવે તો તે ક્રાંતિ કરી શકે છે. સેમિનારમાં તેમણે કોલેજના યુવાનોને ભારતના અને વિશ્વના વિવિધ મહાનુભાવોના જીવનના રહસ્ય, કારકિર્દી માટે કરેલી મહેનત તેને ટકાવી રાખવા સંયમ સાથે કરેલા પ્રયાસ અંગે તેમજ બોલીવુડના કલાકારો, ક્રિકેટરો, ધર્મગુરુઓ, ભગવાન કૃષ્ણ, મહાવીર, પયંગબર સહિત દેશના જાણીતા ઉદ્યોગપતિઓના ઉદાહરણો આપી જીવનને કઈ રીતે જીવવું, કારકિર્દી માટે શું કરવું તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

જય વસાવડાએ આ મોટીવેશનલ સેમિનારમાં આજના યુવાનો ઝડપથી ડ્રગ્સ જેવા વ્યસનનો શિકાર બની રહ્યા છે. તેનાથી કઈ રીતે દૂર રહેવું, વ્યસન કઈ રીતે યુવા વયે તેમની ઝીંદગી નર્ક સમાન બનાવી શકે છે. તે અંગે ચેતવ્યા હતાં. તેમજ મોબાઈલની લત પણ કેટલી ગંભીર સમસ્યા સર્જી શકે છે. તે અંગે જરૂરી માર્ગદર્શન આપી શેરો-શાયરીઓના અંદાજમાં પ્રેમ, ફિટનેશ, કારકિર્દી અને ટાઈમ મેનેજમેન્ટનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, પેશન હશે તો જિંદગી માં આગળ વધી શકશો. પરંતુ વ્યસન હશે તો ગોળગોળ ફરશો. સેમિનારમાં દરેક વિદ્યાર્થીઓએ તેમને શાંતિથી સાંભળ્યા હતાં.

આ મોટીવેશનલ અને કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરનાર કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો તેમની કારકિર્દીને લઈને ગંભીર નથી. વર્તમાન લાઈફ સ્ટાઇલ માં તે કારકિર્દી ને ભૂલી રહ્યા છે. જે ધ્યાને આવ્યાં બાદ યુવાનોમાં મોટીવેશન આવે. કેરિયર પર ફોક્સ કરી આગળ વધી શકે તેવા ઉદેશથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતાં સ્પીકર જય વસાવડાને તમામ વિદ્યાર્થીઓએ સાંભળ્યા હતા અને તેમની પાસેથી અનેક કારકિર્દી લક્ષી સૂચનો મેળવ્યા હતાં.

આ સેમિનારમાં કોલેજના કોમર્સ અને સાયન્સ વિભાગના ત્રીજા વર્ષના તેમજ એમ.કોમ. અને એમ.એસસી.ના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજના ટ્રસ્ટીઓ રમેશ શાહ, ભારતી સુમરીયા, પ્રવિણાબેન શાહ, શ્રી એચ. એમ. ભટ્ટ, કોલેજના ડાયરેક્ટર ડો. સી.કે.પટેલ તથા અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *