Friday, October 18News That Matters

વાપીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા 2 કલાકનું સ્વચ્છતા શ્રમદાન, 5 વર્ષના આરવે પણ રસ્તા પર ઝાડુથી સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

સ્વચ્છતા હી સેવા ના સૂત્રને સાર્થક કરવા વાપીમાં પ્રમુખ ગ્રુપના ડાયરેકટર, કર્મચારીઓએ 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 2 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. 150થી વધુ કર્મચારીઓ સાથે હાથ ધરાયેલ આ સ્વચ્છતા અભિયાનમાં 5 વર્ષના આરવે પણ હાથમાં ઝાડુ પકડી રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતાનો અનોખો સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક તારીખે એક કલાક સ્વચ્છતા માટે આપી શ્રમ દાન કરો એવા આહવાનમાંથી પ્રેરણા લઈને વાપી-ચલા સ્થિત પ્રમુખ ગ્રૂપ દ્વારા બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે બે કલાક સફાઈ કરી શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જે સંકલ્પ ને સાર્થક કરવા બીજી ઓક્ટોબરના પ્રમુખ ગ્રુપના તમામ ડાયરેક્ટરોએ ઓફીસ કર્મચારીઓ અને પ્રમુખ ગ્રુપની દરેક સાઈટ પર કામ કરતા કામદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં 5 વર્ષના આરવ હિરપરા નામના બાળકે હાથમાં ઝાડુ લઈ રસ્તા પર સફાઈ કરી પ્રમુખ ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો.

પ્રમુખ ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલ સફાઈ અભિયાનમાં પ્રમુખ હાઉસ સામે ચલા મુખ્ય રોડ પર, પ્રમુખસ્વામી માર્ગ, પ્રમુખ વેદાંતા, પ્રમુખ ઔરા, પ્રમુખ સહજ, પ્રમુખ એરિસ્ટો, વિવાન, સ્વરીત, પ્રમુખ ડેસ્ટિની, ગ્રીન કાઉન્ટી, ઓરબીટ, રાજદિપ આર એમ સી પ્લાન્ટ વગેરે જેવાં બધાજ વાપીના પ્રોજેક્ટસ અને તેની આસપાસના વિસ્તારના મુખ્ય માર્ગ પર તમામે એક સંપ થઈ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં પ્રમુખ ગ્રુપના વિરમ ભાટુ, જગદીશ ભાટુ, રામ કંડોરિયા, કન્સ્ટ્રકશન સાઈટના કોન્ટ્રાકટર, સુપરવાઈઝર સહિત 150 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે રસ્તાઓની સાફ સફાઈ, ઝાડી કટીંગ કરી  હાથમાં ઝાડુ સાથે રસ્તાઓ પર પડેલા કુડા કચરાને કચરાપેટીઓમાં એકઠો કર્યો હતો.

આ સફાઈ અભિયાન અંગે જગદીશ ભાટુએ જણાવ્યું હતું કે, સફાઈ અભિયાન દરમ્યાન દરેક કર્મચારી ઉત્સાહભેર જોડાયા હતા. પ્રમુખ ગ્રૂપ સ્વચ્છતા સાથે કર્મચારીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. જેથી દરેક કર્મચારીને હેલ્મેટ, હાથ મોઝા સહિતની વસ્તુઓ પુરી પાડી પ્લાસ્ટિક કચરો, સૂકો-ભીનો કચરો અલગ અલગ તારવી તેને અલગ અલગ કચરા ટોપલીઓમાં એકત્ર કરવામાં આવ્યો હતો.

લોકોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, મોટેભાગે લોકો ઘરમાં વધેલું અનાજ કે ઘરનો કચરો થેલીઓમાં પેક કરી તેને જાહેર માર્ગ પર જ ફેંકી ને જતા રહે છે. જેને કારણે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાય છે. જો દરેક વ્યક્તિ વધેલું અનાજ ગાય જેવા પશુઓને આપે, ગંદો નકામો કચરો કચરાપેટીમાં જ નાખે અને તેની શરૂઆત દરેક વ્યક્તિ પોતાનાથી જ કરશે તો આ સ્વચ્છતા નો સંદેશ ચોક્કસ સાર્થક થશે. રસ્તા, સોસાયટીઓ, ગલીઓ સ્વચ્છ રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *