Friday, October 18News That Matters

દારૂના કેસમાં હેરાનગતિ નહિ કરવા પેટે દોઢ લાખની લાંચ માંગનાર નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલના વચેટિયાને ACB એ દબોચી લીધો

વલસાડ અને ડાંગ ACB PI કે. આર. સક્સેના અને તેમની ટીમે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલ વતી ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સ્વીકારનાર એક વચેટિયાને દબોચી લેતા પોલીસ બેડા માં ફફડાટ ફેલાયો છે. નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI યોગેશ ઇશ્વર માહલા અને હેડ કોન્સ્ટેબલ અતુલ હસમુખ પટેલે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દાખલ પ્રોહિબિશનના ગુન્હામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા તેમજ હેરાનગતી નહી કરવા માટે 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર ACB એ લાંચ નું છટકું ગોઠવી વચેટિયાને દબોચી લીધો હતો.

ACB તરફથી અપાયેલ વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ વિરૂધ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ તે સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર હોય, ASI યોગેશ ઇશ્વર માહલા અને હેડ કોન્સ્ટેબલ અતુલ હસમુખ પટેલે ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે 1.50 લાખની લાંચની માંગણી કરી હતી.

આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદ આધારે ACB એ કપરાડા તાલુકાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર લાંચ નું છટકું ગોઠવ્યું હતું. જેમાં બંને પોલીસ કર્મીઓ વતી સયાજી સામજી ગાયકવાડ નામના ઇસમે લાંચની દોઢ લાખની રકમ સ્વીકારી બન્ને લાંચિયા કર્મીઓ સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવી હતી. જે દરમ્યાન ACB PI કે. આર. સક્સેનાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

ACB ના લાંચના છટકામાં વચેટિયો ઝડપાઇ ગયો હોવાની જાણકારી મળતા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયા છે. જેઓને ઝડપી પાડવા ACB સુપરવિઝન અધિકારી અને મદદનિશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દારૂના કેસમાં દોઢ લાખ જેવી માતબર રકમની લાંચ માંગવા ના કેસમાં ACB ની સફળ રેડ થી પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *