વલસાડ જિલ્લામાં વાહન ચલાવતી વખતે સુરક્ષા રાખવી કેટલી અગત્યની છે. ઘરના બાળકો પ્રત્યે સભાન રહેવુ કેટલું જરૂરી છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા કામદારોની તમામ વિગતો મેળવવી કેટલી ઉપયોગી થઈ શકે તેનો ચિતાર આપવા વલસાડ જિલ્લા પોલીસવડાએ ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમાં ચોંકાવનારી આંકડાકીય માહિતી આપી માત્ર 55 દિવસમાં મેળવેલ સફળતા અંગે વિગતો પુરી પાડી હતી.
વાપીમાં VIA હોલ ખાતે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા યોજવામાં આવેલ ઉદ્યોગકારો સાથેના સંવાદમાં વલસાડ જિલ્લામાં થતા અકસ્માત મોતની અને ગુમ થયેલ કે અપહરણની નોંધાયેલ ફરિયાદોની તેમજ તેમાં મેળવેલ સફળતાની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
પોલીસવડાએ ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં એક વર્ષમાં થયેલ ખૂનના ગુન્હા સામે માર્ગ અકસ્માત અને અકસ્માત મોત ના ગુન્હા 10 ગણા વધુ છે. તેમજ ગુમ અને અપહરણ કેસમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની 103 ફરિયાદ જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલ વ્યક્તિઓની 700 ફરિયાદ નોંધાઇ છે. જો કે વિશેષ ડ્રાઈવ ચલાવી જિલ્લા પોલીસે ગત વર્ષની તુલનાએ તેમાં ઘટાડો કરવામાં સફળતા પણ મેળવી છે.
વલસાડ જિલ્લામાં 25મી સપ્ટેમ્બર 2023 સુધીમાં ખૂનના કુલ 19 ગુન્હા નોંધાયેલ છે. જ્યારે તેની સામે ફેટલ એક્સિડન્ટમાં 220 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વલસાડ જિલ્લામાં અકસ્માત નોતરતા કુલ 24 જેટલા બ્લેક સ્પોટ છે. જ્યાં અવારનવાર અકસ્માતો થતા હોય પોલીસ દ્વારા તેવા સ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ બ્લેકસ્પોટ બાબતે રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આવા સ્થળો પર થતા અકસ્માતોમાં ઘટાડો કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેની સ્થળ મુલાકાત કરવામાં આવી છે. જરૂરી સાવચેતી સાથે આ વર્ષે ગત વર્ષની તુલનાએ આવા બ્લેક સ્પોટ પર 13 જેટલા ફેટલ અકસ્માતોનો ઘટાડો કરવામાં પોલીસને સફળતા મળી છે.
વલસાડ જિલ્લામાં કોસ્મો પોલિટન કલ્ચરના કારણે અપહરણ અને ગુમ થવાના કેસ અંગે તેમણે જણાવ્યું હતું કે આ આંકડો પણ એકાદ વર્ષ પહેલા ખૂબ જ મોટો હતો. હાલમાં તેમના આવ્યા બાદ અપરણ થયેલ અને ગુમ થયેલ બાળક બાળકીઓને શોધવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેના કારણે કુલ 103 અપહરણ, ગુમની ફરિયાદો સામે 55 દિવસમાં 19 જેટલા ગુમ થયેલ બાળક, બાળકીઓને શોધી કાઢવામાં આવ્યા છે. તેઓને તેમના માતા-પિતાને સુપ્રત કર્યા છે.
2012 થી અત્યાર સુધીના એટલે કે 2023 સુધીના 12 વર્ષમાં જેટલા બાળકો ગુમ થયા છે કે, અપહરણ થયા છે તેમની ફરિયાદોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. અહીં આવેલ ઔદ્યોગિક એકમોમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો તે બાદ કયાંક ચાલ્યા જાય છે. એવી મિસિંગની પણ ફરિયાદો સામે જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. જે અંગે વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉંમરના ગુમ થયેલ વ્યક્તિઓના 700 જેટલા આંકડા સામે આવ્યા છે. જેની સામે 55 દિવસમાં 116 જેટલા વ્યક્તિઓને શોધવામાં પણ પોલીસને સફળતા મળી છે. આવા સભ્યોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અને આ ડ્રાઈવ આગામી દિવસમાં પણ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં VIA હોલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા યોજવામાં આવેલ ઉદ્યોગકારો સાથેના સંવાદમાં વલસાડ જિલ્લામાં થતા અકસ્માત મોતની અને ગુમ થયેલ કે અપહરણની નોંધાયેલ ફરિયાદોની તેમજ તેમાં મેળવેલ સફળતાની આંકડાકીય માહિતી પૂરી પાડી આ દિશામાં પણ ઉદ્યોગકારો જાગૃત બને તેવી અપીલ કરવામાં આવી હતી.