વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા વાપીમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા, શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિક સમસ્યા, કર્મચારીઓના આરોગ્યની ચિંતા જેવા વિવિધ વિષયો પર GIDC ના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા ના દરેક સૂચનો પર ઉપસ્થિત 200 જેટલા ઉદ્યોગકારોએ વહેલી તકે કામગીરી કરવા ખાતરી આપી હતી.
વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા વાપી GIDCની મુલાકાતે છે. વાપી જીઆઇડીસીની અલગ અલગ કંપનીઓમાં તેઓએ રૂબરૂ મુલાકાત લઈ કંપનીઓમાં મહિલાઓ સાથે કાયદા અંગે તેમજ સેફ્ટી, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક જેવા વિષયો પર સેમીનારનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ વાપીના તમામ ઉદ્યોગકારો સાથે સુરક્ષા અંગેનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 200થી વધુ ઉદ્યોગકારો જોડાયા હતા.
VIA હોલ ખાતે આયોજિત આ સંવાદ કાર્યક્રમ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો ને પોલીસ ને લગતા પ્રશ્નોના સૂચનો કરવા સાથે આ સંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ વાપી ઔદ્યોગિક વિસ્તારમાં વધતા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં તમામ ધર્મના, રાજ્યના લોકો વસવાટ કરે છે. જે ધ્યાને લઈ સુરક્ષા ટ્રાફિક અને આરોગ્ય બાબતે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ સંવાદ કાર્યક્રમમાં કેટલાક જરૂરી સુચનો ઉદ્યોગકારોને કરવામાં આવ્યા હતા. જેમાં દરેક કંપનીમાં કામ કરતો કર્મચારી દ્રીચક્રિય વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને આવે એની દરેક ઉદ્યોગકાર તકેદારી રાખે. કંપનીના ગેટ પર ‘નો હેલ્મેટ નો એન્ટ્રી’નું અભિયાન હાથ ધરતા બેનર લગાવે. કંપનીમાં દરેક કર્મચારીઓની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે. તેમને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવે. કંપનીમાં જ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બાબતે ઓથોરાઇઝ પર્સનને જ તે હેઝર્ડ વેસ્ટ આપવામાં આવે. હેઝર્ડ વેસ્ટને યોગ્ય નિયમો મુજબ ડિસ્પોઝ કરવામાં આવશે. તો બ્લાસ્ટની અને આગની ઘટના માં ઘટાડો કરી શકાય છે. દરેક કર્મચારીના તમામ ડેટા એકત્ર કરવા સાથે તેમના આરોગ્યની કાળજી રાખવા દરેક કર્મચારીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા કંપની સંચાલકો આગળ આવે. આ નવતર પહેલ દરેક કંપનીના કર્મચારીઓ સુધી પહોંચાડી તેને આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી મફત સારવારનો લાભ પૂરો પાડવામાં આવે.
જિલ્લા પોલીસવડા ના આ દરેક સુચનોની ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. અને સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ વાપી GIDC સહિતના આસપાસના વિસ્તારમાં આવેલ પોલીસ મથકના PI સહિતના સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય જેને કારણે આ વિસ્તારમાં ક્રાઈમમાં ઘટાડો થયો છે તેવું જણાવી ટ્રાફિક બાબતે સારી કામગીરી કરવામાં આવી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સંવાદ કાર્યક્રમમાં વાપી VIA પ્રમુખ સતીશ પટેલ, પૂર્વ VIA પ્રમુખ પ્રકાશ ભદ્રા, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, VIA સેક્રેટરી, વાપીના જાણીતા ઉદ્યોગપતિઓ, વાપી ડિવિઝનના Dysp બી. એન. દવે, વાપી GIDC પોલીસ મથકના PI વી. જી. ભરવાડ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.