Friday, January 31News That Matters

હરિયા પાર્કમાં મહાદેવ સેના દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સ્થાપન અને વિવિધ સામાજિક કાર્યક્રમો સાથે ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી

હાલમાં સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. ત્યારે વાપીના હરિયા પાર્કમાં આવેલ અંબા માતા મંદિર પ્રાંગણમાં મહાદેવ સેના દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 11 દિવસના આ ગણેશ મહોત્સવમાં દરરોજ અવનવી થીમ પર ગણેશ વંદના કરવા સહિત સામાજિક ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

હરિયા પાર્કમાં મહાદેવ સેના આયોજિત ગણેશ મહોત્સવમાં સાડા પાંચ ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિના દર્શન કરવા અને આરતી મા સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. ગણેશ ઉત્સવના આ આયોજન અંગે મહાદેવ સેનાના સભ્ય રામકુમારે જણાવ્યું હતું કે હરિયા પાર્ક ખાતે મહાદેવ સેના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવ દરમ્યાન ધાર્મિક ભાવના વધે સમાજમાં એકતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

10 દિવસના ગણેશ મહોત્સવ દરમ્યાન વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. જેમાં ભાગ લેનાર સ્પર્ધકો, મહાનુભાવોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કીર્તન, ભજન, સામાજિક વેશભૂષા, ફેશન શૉ, સામાજિક ભાષા સાથેની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે નાના બાળકોની ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલ ભૂલકાઓને ડુંગરા પોલીસ મથકથી ખાસ ઉપસ્થિત રહેલા DySP કુલદીપ નાઈ, અને પોલીસ ઇન્સ્પેકટર મયુર પટેલના હસ્તે પ્રોત્સાહક ભેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

ગણેશ મહોત્સવના પંડાલમાં સુશોભિત શણગાર સાથે ગણેશજીની મૂર્તિ પણ ઇકો ફ્રેન્ડલી છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને દરેક આયોજન એ પ્રકારનું કરવામાં આવે છે. સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે મહાદેવ સેના આ ગણેશ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરે છે. શ્રીજીના દર્શનમાં કોઈ ભક્તોને તકલીફ ના પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સારા વાતાવરણમાં ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે સેનાના સભ્યો સતત જાગૃત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *