વલસાડ જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ દરમિયાન લોકોમાં સાઇબર ક્રાઇમ, ડ્રગ્સ અને ટ્રાફિક અંગે જનજાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ પંડાલમાં મહત્વની જાણકારી પુરી પાડવાનું અભિયાન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા પોલીસનું આ અભિયાન આ વર્ષના ગણેશ ઉત્સવ સાથે જનજાગૃતિ ઉત્સવ બન્યું છે.
સમાજમાં પ્રવતત્તા ડ્રગ્સના દુષણથી દરેક પરિવાર સચેત રહે, સાયબર ક્રાઇમના ગુન્હાથી બચી શકે. નાણાં ના અને અન્ય ફ્રોડથી સાવચેત બને, ટ્રાફિકના નિયમોનું દરેક વાહનચાલક પાલન કરે તેવા ત્રિવિધ ઉદેશ્ય સાથેનું અભિયાન વલસાડ જિલ્લા પોલીસે હાથ ધર્યું છે. આ અભિયાન ગણેશ ઉત્સવ સાથે મહા જનજાગૃતિ ઉત્સવમાં પરિણમે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સ્થાપિત ગણેશ મંડળો માં જઈ વીડિયોના માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. સાયબર ક્રાઈમ, ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ રહી છે. જેમાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વાપી ના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં આવતા હરિયા પાર્ક ખાતે મહાદેવ સેના આયોજિત ગણેશ મહોત્સવમાં ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ સાથે પહોંચેલા DYSP કુલદીપ નાઈ દ્વારા મહોત્સવમાં ઉપસ્થિત તમામ લોકોને સાયબર ક્રાઈમ, ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરાઈ રહી છે.
પ્રોજેક્ટરના માધ્યમથી વિડીયો બતાવી જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસ અંગે ડીવાયએસપી કુલદીપ નાઇએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ વલસાડ જિલ્લામાં ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાતો ધાર્મિક ઉત્સવ છે. જેમાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, બાળકો ભાગ લે છે. મોટી સંખ્યામાં લોકો એક જ સ્થળે બાપાની આરતી કરી દર્શનનો લાભ લેવા એકત્ર થતા હોય છે. ત્યારે વલસાડ પોલીસે વિચાર્યું છે કે આવા ધાર્મિક તહેવાર દરમિયાન જ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે, લોકોને ડ્રગ્સ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અંગે જાગૃતિ પૂરી પાડવામાં આવે છે.
આ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને રેન્જના વડા અને વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાની સૂચના મુજબ ડુંગરા પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ સાથે દરેક ગણેશ પંડાલમાં જઈ સાયબર ક્રાઈમથી સચેત રહેવા, ડ્રગ્સના દુષણથી મુક્ત રહેવા અને ટ્રાફિક નિમયમોનું પાલન કરવા અંગેની જાણકારી આપતી શોર્ટ ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવી લોકોમાં તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જન જાગૃતિ માટે થઈ રહેલા આ પ્રયાસને લોકો તરફથી પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં આવેલા ગણેશ પંડાલમાં આરતી સમયે અંદાજિત 200થી વધુ લોકો ઉપસ્થિત હોય તે તમામ આ વિડીયો જુએ છે અને જરૂરી માર્ગદર્શન માટે તેમજ શહેરમાં થતી ગંભીર પ્રવૃત્તિ અંગે પોલીસ ચોકીમાં આવી જાણકારી પૂરી પાડી રહ્યા છે. પોલીસના આ સરાહનીય પ્રયાસ અંગે મહાદેવ સેનાના સભ્યોએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગણેશ મહોત્સવમાં આવી આ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જે આ વર્ષના ગણેશ મહોત્સવમાં અનેરો પ્રસંગ છે. પોલીસના આ કાર્યથી લોકોમાં એક સારો મેસેજ જઈ રહ્યો છે. અને સમાજમાં વધતાં દૂષણ સામે લોકોમાં જાગૃતિ આવી રહી છે.