શુક્રવારે વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામ તાલુકાના ક્લસ્ટર હેઠળ આવતી 66 શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી શાળામાં આયોજિત આ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં 103 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા 100 જેટલા પ્રોજેકટ રજૂ કર્યા હતાં.
વાપીમાં સંસ્કાર ભારતી અને આશાધામ શાળા ખાતે યોજાયેલ આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 5 વિભાગ રાખવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો ને આવરી લેતી મનમોહક અને સમાજ ઉપયોગી 100 જેટલા પ્રોજેકટ રજૂ કર્યા હતાં. બાળ વૈજ્ઞાનિકોએ સ્વચ્છ સુખાકારી જીવનશૈલી અંતર્ગત સ્માર્ટ મચ્છર ભગાવતા ઘરેલુ નુસખા, આરોગ્યપ્રદ વિવિધ મિલેટ્સ વાનગીઓ, પર્યાવરણનું જતન કરતા અત્યાધુનિક ઉપકરણો વગેરે બનાવી પ્રદર્શનીમાં મુક્યા હતાં. જેને નિહાળી શિક્ષકો, અતિથિગણ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તેમજ વલસાડ જિલ્લા શિક્ષણ કચેરી આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણ વિભાગના EI નીતિન પટેલ, વાપી નગરપાલિકના પ્રમુખ કાશ્મીરા શાહ, સંસ્કાર ભારતી સ્કૂલના આચાર્ય સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેઓએ વૈજ્ઞાનિક પ્રદર્શન માં રજૂ કરેલ તમામ પ્રોજેકટ નિહાળી તે અંગે જરૂરી વિગતો મેળવી ધોરણ 9 થી 12 ના બાળ વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.