Tuesday, October 22News That Matters

વાપીમાં નિર્માણ થશે અત્યાધુનિક ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), નાણાપ્રધાનની પહેલથી મળી મંજૂરી

વાપી સહિત વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી ગંભીર ઘટનાઓ દરમ્યાન તેમજ કુદરતી, કે માનવ સર્જિત આફતમાં જાનહાની ટાળી વહેલી તકે આવી ઘટનાઓ પર કાબુ મેળવી શકાય તે માટે વાપીમાં વલસાડ જિલ્લાનું પોતાનું અલાયદું ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC) કાર્યરત કરવા ગાંધીનગરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી ત્રણેક મહિનામાં વાપી ખાતે DPMC સેન્ટરના ભવનનું કાર્ય હાથ ધરી અત્યાધુનિક સુવિધા અને સ્કીલ્ડ સ્ટાફ સાથે સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળતા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં DPMC બનાવવા માટે, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના આહવાન પર થોડા સમયથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાપીમાં નોટિફાઇડ હસ્તકના ફાયર સ્ટેશન નજીક આ સેન્ટર માટે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. વાપી નોટીફાઈડ એરિયા માં GSDMA ના સહયોગથી બનનાર આ DPMC માટે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના ગાંધીનગર સચિવાલય ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં DPMC ભવનનું પ્રેઝન્ટેશન, ઇકવીપમેન્ટ, અને તેને આગળ કેવી રીતે ચલાવવું તે વિષે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. DPMC બનાવવાનું આયોજન જેમ બને તેમ ઝડપી રીતે કાર્યરત કરવા વલસાડ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્તાર ગુંદલાવ, પારડી, ઉમરગામ, સરીગામ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને અતુલ લિ. રેમન્ડ, જેવી મોટી કંપનીઓને સાથે રાખી ભવનનું નિર્માણ કરવામાં આવશે,

DPMC માટે થઈ રહેલા આયોજન અંગે અને તેનાથી થનારા ફાયદા અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલે વિગતો આપી હતી કે, વાપી GIDC માં નોટિફાઇડ હસ્તકના નવા બનેલા ફાયર સ્ટેશન નજીક આવેલ DYSP, SOG, LCB ની ઓફીસ વાળી જગ્યા પર DPMC ભવન બનાવવા ઘણા સમયથી આયોજન થયેલ છે. જે માટે મોરારજી સર્કલ નજીક પોલીસ વિભાગ માટે અલાયદું સંકુલ બનાવવા જમીનની ફાળવણી કરવામાં આવી છે.

ફાયર સ્ટેશન નજીક DPMC ના ભવન માટે તેમજ તેમાં અત્યાધુનિક ઇકવીપમેન્ટ માટે અંદાજિત 50 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ભવન નિર્માણ બાદ અહીં જ સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. આ સેન્ટર કેન્દ્ર સરકાર આધીન હોય NDRF ની ટીમ પણ અહીં કાયમી ધોરણે તૈનાત કરવામાં આવશે. સેન્ટર કાર્યરત થયા બાદ વાપી GIDC સહિત વલસાડ જિલ્લાના તમામ ઔદ્યોગિક ઝોનમાં બનતી આપાતકાલીન ઘટનાઓમાં તેમજ કુદરતી કે માનવસર્જિત આફત સમયે જાનહાની ટાળી દરેક ઘટના પર કાબુ મેળવવામાં અનેકગણો ફાયદો થશે.

તો, આ સેન્ટરમાં ઔદ્યોગિક હોનારત દરમ્યાન કેમિકલ કે અન્ય કોઈ પ્રકારની જવનલનશીલ પ્રોડક્ટ વધુ પ્રસરે તે પહેલાં તેના પર ફૉમનો મારો ચલાવી કાબુમાં કરી શકાય તેવા ફૉમનો સ્ટોક કરવા સાથે અત્યાધુનિક ફાયર ફાઈટરના વાહનો વસાવવામાં આવશે. ફાયર પ્રુફ પોષાક સહિત ગેસ ગળતરની ઘટનાઓમાં ફરજ બજાવી શકે તે માટે ફાયર જવાનોને સુરક્ષા સાધનો પુરા પાડવામાં આવશે. આ સેન્ટરને ગુજરાતનું આધુનિક સેન્ટર બનાવવા હજીરા, દહેજ, અંકેલશ્વરમાં આવેલ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી છે. અને આ તમામ સેન્ટરમાં જે સુવિધાની ઉણપ છે તે તમામ સુવિધાઓ અહીં પુરી પાડવામાં આવશે. જેનો ફાયદો ઔદ્યોગિક એકમો ઉપરાંત વલસાડ જિલ્લાના નગરજનોને મળશે.

સેન્ટરની સ્થાપના અંગેની ચર્ચા માટે 20મી સપ્ટેમ્બર 2023ના બુધવારે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આયોજિત મિટીંગમાં VIA ના પ્રમુખ સતિષ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી, વાપીના ચેરમેન હેમંત પટેલ, GSDMA ના CEO મનીષ ભારદ્વાજ, GIDC ના VC & MD રાહુલ ગુપ્તા, નોટીફાઈડ એરિયા, વાપીના ચીફ ઓફિસર ડી.બી.સગર, GSDMA ગુજરાતના ACEO એ.જે.અસારી અને GSDMA વાપીના સેકટર મેનેજર પ્રશાંત મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બોર્ડના સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જેમાં કલેકટર ઉપરાંત નોટિફાઇડના અધિકારીઓ, પદાધિકારીઓ, વાપી, સરીગામ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, મહત્વના ઔદ્યોગિક એકમોના સંચાલકો આ બોર્ડના સભ્યો હશે.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *