Friday, January 31News That Matters

પારસી વડીલે આઠ વર્ષની વયે માતાના આરોગ્ય માટે ગણેશજીને કરેલી પ્રાર્થના ફળતા છેલ્લા 74 વર્ષથી દર વર્ષે કરે છે ગણેશજીની સ્થાપના

મૂળ મુંબઈના અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ-આહુ ગામે સ્થાયી થયેલો પારસી પરિવાર છેલ્લા 74 વર્ષથી ગણપતિની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. આ પારસી પરિવારના 82 વર્ષના વડીલે 8 વર્ષની વયે માતાના સારા સ્વાસ્થ્ય માટે ગણેશજીને પ્રાર્થના કરી હતી. જે પ્રાર્થના ફળતા બાળકની માતાનું આરોગ્ય સુધર્યું હતું. વિઘ્નહર્તા એ પારસી પરિવારનું વિઘ્ન હરિ લેતા તેઓ હવે દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીની સ્થાપના કરે છે.

મૂળ મુંબઈના અને નારગોલ પંથકના આહુ ગામે રહેતા પારસી કુપુર પરિવારને ગણેશ ભગવાન સાથે અનોખી શ્રદ્ધા છે. બન્યું એવું હતું કે આ પારસી કુપુર પરિવારના વડીલ ફ્રેડી દાદીબા કુપર આઠ વર્ષના હતા ત્યારે તેમની માતા ગુલુંબાઈ ખૂબ બીમાર પડી હતી. જીવન મરણના ઝોલા ખાઈ રહેલી માતાની સ્થિતિના કારણે સમગ્ર પરિવાર ભારે દુઃખની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.

એ દિવસ આનંદ ચૌદસનો દિવસ હતો. માતાની સ્થિતિના કારણે ખૂબ દુઃખી બની મકાનની ગેલેરીમાં બેસેલા પુત્ર ફ્રેડીની નજર માર્ગથી પસાર થતાં ગણેશજીની મૂર્તિ ઉપર પડી. ગણેશ ભક્તો વાજતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન માટે જઈ રહ્યા હતા. તેજ સમયે ફ્રેડી કૂપરે ભગવાન ગણપતિ ઉપર શ્રદ્ધા રાખી મનોમન માંગણી કરી હતી કે જો તમે ખરા અર્થમાં ભગવાન છો તો મારી માતાને બીમારીમાંથી મુક્ત કરાવો અને હરથી ફરતી કરો. મારી પ્રાર્થના સ્વીકારશો તો જીવનભર તારી પૂજા પ્રાર્થના કરીશ અને જ્યાં સુધી શરીરમાં જીવ હશે ત્યાં સુધી દર વર્ષે તારી સ્થાપના મારા ઘરે કરીશ.

ખરા દિલથી કરેલી પ્રાર્થના ગણપતિ બાપાએ સ્વીકારી અને ચમત્કાર થયો ગંભીર માંદગીમાંથી ફ્રેડી કૂપરની માતા તંદુરસ્ત થઈ ગઈ. ફરી એક વખત પારસી પરિવારમાં આનંદનો માહોલ સર્જાયો. તે જ વર્ષથી આજ દિન સુધી આ પરિવાર છેલ્લા 74 વર્ષથી દર વર્ષે ગણેશ ચતુર્થી પર્વે પોતાના ઘરે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી પૂર્ણ ભાવ ભક્તિ સાથે ગણપતિ બાપાની પૂજા કરે છે.

વર્ષ 2000 થી આ પરિવાર મુંબઈથી નારગોલ પંથકના આહુ ગામે સ્થાઈ થયો છે. જ્યાં તેમણે હનુમાનજીનું નાનકડુ મંદિર પણ બનાવ્યું છે. આતશ બહેરામ સાથે હિન્દુ દેવી દેવતાની નિયમિત પૂજા કરે છે. 8 વર્ષના એ બાળકની ઉંમર હવે 82 વર્ષની થઈ છે. બાળક માંથી તે હવે પરિવારના વડીલ બનેલા ફ્રેડી કૂપર પત્ની થ્રીટી અને પુત્ર ખુસરું સાથે ગણપતિ બાપાની સેવામાં પૂર્ણ ભક્તિ સાથે ડૂબેલા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજથી સાડી તેરસો વર્ષ પહેલાં ધર્મનનું રક્ષણ કરવાના હેતુ માદેરા વતન ઈરાન છોડી હિન્દુસ્તાન આવેલા પારસીઓ સર્વપ્રથમ સંજાણ બંદરે ઉતરી તે વખતના રાજા જાદી રાણાને મળ્યા હતા. તે વખતની વાર્તા “દૂધમાં સાકર” પ્રચલિત છે. જે તે વખતે જાદીરાણા રાજા એ આશરો માંગવા આવેલા પારસી બિરાદરોને શરતી રીતે આશરો આપ્યો હતો. તે શરતો પારસીઓએ પાલન કરવાનું વચન આપ્યું હતું જે આજે પણ પારસીઓ નિભાવી રહ્યા છે. વધુમાં સ્થાનિક રીત રિવાજ, પહેરવેશ અપનાવવાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો જેથી પારસીઓ આજે સવાયા ગુજરાતી તરીકે વિશ્વમાં જાણીતા છે.

વાસ્તવિકતામાં દૂધમાં સાકરની જેમ ભળીને દેશના વિકાસમાં સિંહ ફાળો આપનારા પારસીઓ દરેક રીતે અગ્રેસર રહે છે. દરેક પ્રસંગ પોતાનો સમજી ઉત્સાહથી ઊજવે છે. ત્યારે, આ પારસી પરિવારના વડીલોએ રાજાને આપેલ વચનની યાદ તાજી કરાવી છે. સાથે જ પારસી કમ્યુનિટી પ્રત્યે ગુજરાતીઓનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *