વલસાડ જિલ્લાના વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતા કિશોરવય ના છ મિત્રો મંગળવારે બપોર બાદ ટુકવાડા પાસેથી પસાર થતી કોલક નદીમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં બે મિત્રો ડૂબવા લાગતા એકને બચાવી લેવાયો હતો. જ્યારે એક કિશોર ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઘટનામાં મળતી વિગતો મુજબ વાપીના કબ્રસ્તાન રોડ પર એપ્પલ પાર્કમાં રહેતો અને સેન્ટફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતો 14 વર્ષીય ઈરફાન નિસાર ઈંદ્રિશ તેમના અન્ય મીત્રો એવા કબ્રસ્તાન રોડ પર મૃત્યુધામ એપાર્ટમેન્ટમાં રહેતા 17 વર્ષીય ફરીદ મુસ્તફા ઘાંચી, જનતા એપાર્ટમેન્ટમાં રહેતા 16 વર્ષીય મોહંમદ કમલ હુસેન, 15 વર્ષીય અરબાઝ ફિરોઝ ખાન, 13 વર્ષીય મોહંમદ જેદ સફિકઉલ્લા અને એપલ પાર્કમાં રહેતા 16 વર્ષીય સલીમખાન અબ્બુ મોહમ્મદ ખાન નામના મિત્રો સાથે કોલક નદીમાં ન્હાવા ગયા હતા.
આ કિશોર વયના અને વાપીની અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા 6 કિશોર પૈકી 5 કિશોર કોલક નદીમાં ન્હાવા પડ્યા હતાં. તે સમયે પાણીનું વહેણ વધુ હોય 4 કિશોર નદીમાંથી બહાર નીકળી ગયા હતાં. જયારે 2 કિશોરો તણાવા લાગ્યા હતાં. જેમાંના એકે કોલક નદીમાં બ્રિજ નજીક એક પથ્થર પકડી બચાવની બૂમ મારતા અન્ય યુવકો ગભરાયા હતા અને મદદ માટે બુમાબુમ કરી હતી.
જેઓની બુમો સાંભળી ટુકવાડાના કોળી પટેલ ફળિયામાં રહેતા અલકેશ, વિજય, સમર્થ તેઓને બચાવવા આવ્યા હતાં. બચાવ માટે આવેલ યુવાનોએ બ્રિજ પરથી એક દોરડું નાખી એક સગીરને બચાવી લીધો હતો. જ્યારે 14 વર્ષીય ઈરફાન નિસાર ઈંદ્રિશ લાપતા બન્યો હતો. જેની શોધખોળ હાથ ધરવા સાથે ઘટનાની જાણ ગામના સરપંચ અને અગ્રણીઓને થતા તેઓએ તત્કાલિક પારડી પોલીસ અને મામલતદારને જાણકારી આપી હતી. જે બાદ ડિઝાસ્ટર મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ડૂબેલા સગીરની શોધખોળ હાથ ધરી હતી.