સમગ્ર દેશમાં 19મી સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી મહોત્સવનું પ્રારંભ થયો છે. ત્યારે વાપીમાં પણ ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા અને સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કર્યું છે. ગણેશ મહોત્સવ નિમિત્તે વાપી GIDCમાં આવેલ મંગલમ ડ્રગ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીના 2 યુનિટમાં પણ કર્મચારીઓ દ્વારા ચંદ્રયાનની થીમ તૈયાર કરી ગણેશ પ્રતિમાનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.
મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીના વાપી જીઆઇડીસીમાં બે યુનિટ આવેલા છે. આ બંને યુનિટમાં કંપનીને જ્યારથી સ્થાપના થયેલી છે ત્યારથી એટલે કે 49 વર્ષથી કંપનીના કર્મચારીઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ અંગે કંપનીના HR મેનેજર નિર્મિત નાયકે જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન કંપનીના કર્મચારીઓ દ્વારા છેલ્લા 49 વર્ષથી કંપનીમાં જ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ત્રણ દિવસ સુધી ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કંપનીમાં ઉજવાતા ગણેશ ઉત્સવમાં દર વર્ષે એક જ પેટર્નની પ્રતિમા દહાણુંથી મંગાવવામાં આવે છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે. ત્રણ દિવસ ભક્તિ ભાવ સાથે કંપનીના કર્મચારીઓ બાપા ની આરાધના કરે છે. અને ત્રીજા દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ મહોત્સવ અંતર્ગત આ વર્ષે બાપા ની સ્થાપના સાથે ડેકોરેશનમાં ચંદ્રયાનની થીમ પસંદ કરવામાં આવી છે. ઈસરોએ ચંદ્રયાનને ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડરની મદદથી સાઉથ પોલમાં સફળ લેન્ડિંગ કર્યું છે. જે ભારત માટે અને તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે. જેનાથી પ્રેરિત થઈને એક સપ્તાહની અથાગ મહેનત બાદ ચંદ્રયાન તૈયાર કરવામાં આવ્યું છે. બાપાની જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં ચંદ્રયાન સાથે ભારતના તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. આ થીમ દરેક કર્મચારીઓને ખૂબ જ પસંદ પડી રહી છે. કર્મચારીઓ ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.
ત્રણ દિવસના આ ગણેશ મહોત્સવમાં પૂજન અર્ચનમાં કંપનીના કર્મચારીઓ ભક્તિ ભાવ સાથે બાપાની આરાધના કરે છે. નવ પરણીત યુગલના હસ્તે બાપાની આરતી પૂજા કરવામાં આવે છે. ત્રણ દિવસ બાદ વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. વિસર્જનના દિવસે અંતિમ આરતીમાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહે છે. જે બાદ કંપનીના 15 થી 20 કર્મચારીઓના સ્ટાફ સાથે દમણ ગંગા નદી કિનારે બાપા ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.
આ ગણેશ ઉત્સવ સાથે દર વર્ષે કેરમ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. કર્મચારીઓમાં ખેલ ભાવના વધે તે માટે આ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ વચ્ચે કેરમ ટુર્નામેન્ટની સ્પર્ધા યોજાય છે. સ્પર્ધામાં દર વખતે 75 જેટલી ટીમોના 150 કર્મચારીઓ ભાગ લે છે. કેરમ ટુર્નામેન્ટની આ સ્પર્ધામાં વિજેતા ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. ત્યારે વાપી GIDC માં આવેલ અનેક ઔદ્યોગિક એકમોમાં પણ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ વંદના સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરી અંતિમ દિવસે… ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર્યા… ના નાદ સાથે અશ્રુભીની આંખે તેનું વિસર્જન કરે છે.