Friday, January 10News That Matters

વાપી-સેલવાસમાં ટ્રક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની LCB એ કરી ધરપકડ, 47,01,050 રૂપિયાની 3 ટ્રક સહિત 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો

વલસાડ જીલ્લામાં છેલ્લા છ માસ દરમ્યાન વલસાડ, ધરમપુર, વાપી, સેલવાસ વિસ્તારમાં ટ્રક, આઇશર, ડમ્પર ટ્રક ચોરીના ગુન્હાઓ નોંધાયા છે. આ વાહન ચોરીના ગુન્હાની મોડ્સ ઓપરેન્ડી નો અભ્યાસ કરી સર્વેલન્સની મદદથી LCB ની ટીમે વધુ એક ચોરની ધરપકડ કરી 4 ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ 3 ટ્રક સહિત કુલ 47,01,050 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

વલસાડ LCBએ આપેલી અખબારી યાદી મુજબ સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી. એચ. ચંદ્રશેખર તથા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના PSI કે. એમ. બેરિયાની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈથી સુરત તરફના રૂટ પર ઉમરગામના ડેહલી મુલ્લાપાડા ખાતે રહેતો અને મૂળ UP નો મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર શેખ નામનો ઈસમ નંબર વગરની ટ્રક લઈને આવી રહ્યો છે. જે બાતમી આધારે UPl બ્રિજ નજીક તેને અટકાવી પૂછપરછ માટે અટકમાં લીધો હતો.

પકડાયેલ ઇસમ અગાઉ વલસાડ જીલ્લામાં ટ્રક ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ હોય તેની પૂછપરછ કરતા છેલ્લા 6 મહિના દરમ્યાન ત્રણ ટ્રક તથા એક આઇશરની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. જે પૈકી આઇશર ટેમ્પો આણંદ ખાતે વેચી દીધો હોવાનું અને અન્ય બે ટ્રક બોડીકામ તથા કલરકામ કરી ભિલાડમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું.

LCB ની ટીમે મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર શેખની ધરપકડ કરી વધુ તપાસ માટે GIDC પોલીસને હવાલે કર્યો છે. તેમજ 15 લાખની એક નંબર વગરની ટાટા ટ્રક, 7 લાખની ટાટા કાંપનીની ટ્રક, 25 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 47,01,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલ વાહન ચોર સામે 1 વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે., 1, ઉમરગામ પો.સ્ટે., અને 2 સેલવાસ પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તો, આ પકડાયેલ ચોર 2016થી દિવસ દરમ્યાન રોડ પર પાર્ક ટ્રકની રેકી કરી તે બાદ રાત્રીના સમયમાં ટ્રકની ચોરી કરતો હતો. ચોરી કરેલ ટ્રકના રજિસ્ટ્રેશન નંબર, એંજીન તથા ચેસીસ નંબર ઘસી નાખી તેને કલરકામ તથા બોડી બનાવી બીજી ટ્રકના ચેસીસ તથા એંજીન નંબર ટાંકી તેનું વેંચાણ કરી દેતો હતો. આ વાહન ચોર સામે વાપી GIDC, સુરત શહેર, પારડી પોલીસ મથકમાં ગુન્હા નોંધાઇ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા LCB એ વાહનચોરને દબોચી લેવાની આ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં ધરમપુર, ડુંગરા, જૂજવાં ગામેથી ચોરી થયેલ ડમ્પર ટ્રક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ કુલ 7 આરોપીઓની ધરપકડ કરી ત્રણ ડમ્પર સહિત કુલ 71,50,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

ટ્રક જેવા વાહન ચોરનાર મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર શેખને ઝડપી પાડવા પો.સ.ઇ. કે. એમ. બેરીયા, તથા સ્ટાફના એ.એસ.આઇ. રાકેશ રમણભાઇ, પ્રવીણભાઇ, મહેન્દ્રભાઈ, અરુણ સીતારામ તથા આશીષભાઇ, હિતેશ ભાઈ, વિવેકભાઈ, દશરથભાઈ, રાજુ ભાઈની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *