વાપી :- વાપીમાં 27મી મેં ના ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ અલકનંદા બિલ્ડીંગ, ‘બી’ વિંગમાં ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ યુવતીના પિયર પક્ષ તરફથી સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષપ્રેરણા આપવાની અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
વાપીમાં ગુરુવારે 27મી મેં ના અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો. જે બાદ આ ઘટનામાં મૃતક અનિતાના ભાઈ અને માતાને શંકા જતા તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે અનિતાને તેનો પતિ ભાવેશ, સાસુ દમયંતીબેન મુલજી ભાનુશાલી, જેઠ સુરેશ મૂળજી ભાનુશાલી અને જેઠાણી રેખા સુરેશ ભાનુશાળી અસહ્ય માનસિક ત્રાસ આપતા હતાં. દહેજની માંગણી કરી મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતા હતાં. જેથી માનસિક રીતે તૂટી જતા અનિતાએ આ આત્મઘાતી પગલું ભરી લીધું છે.
અનિતા અને તેનો પરિવાર મૂળ જામનગરનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર છે. આત્મહત્યા પ્રકરણમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અકસ્માત મોતની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને ઘરમાં કોઈ અણબનાવની વિગતો કે આત્મહત્યા સ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી જે બાદ મહિલાના પિયર પક્ષ તરફથી સાસરિયાંનો ત્રાસ હોવાની ફરિયાદ ઉઠતા સાસરિયાં વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને પોલીસે હવે આ આપઘાત પ્રકરણમાં તે દિશામાં તાપસ હાથ ધરી છે.
અનિતાના માતા-પિતા, ભાઈ અને મામાના પરિવારમાંથી વિગતો મળી હતી કે અનિતા આ રીતે ગળેફાંસો ખાઈ લે એ શક્ય નથી. તેમજ તેમનો મૃતદેહ જે બેડ પરથી મળ્યો હતો. તે બેડ અને પંખાની હાઈટ એટલી વધારે નહોતી કે તેમાં લટકી ને ગળેફાંસો ખાઈ શકાય એટલે તે શંકા આધારે પણ ડુંગરા પોલીસમાં રજુઆત કરી તપાસની માંગણી કરી છે.