વલસાડ જિલ્લાના વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડીંગ, ભાનુ હિલ્સ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ એમ અલગ અલગ 3 સ્થળોએ ચોર ટોળકીએ કુલ 15 જેટલી દુકાનોના શટર તોડી ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. તસ્કરોએ એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ તો અન્ય દુકાનમાંથી 22 હજારની ચીજવસ્તુઓ તેમજ નાની મોટી રકમની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ છે.
વાપીમાં ચોર ટોળકીએ તરખાટ મચાવી પોલીસને લપડાક મારી છે. વાપીમાં રવિવારે એક જ રાત્રિમા તસ્કર ટોળકીએ ગુંજન વિસ્તારમાં અલગ અલગ બિલ્ડીંગ, સોસાયટીમાં આવેલી ઓફિસ, દુકાન અને દવાખાનાના શટરના તાળા તોડી ચોરી કરી છે. તસ્કરોએ એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી છે. જે અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડીંગ, ભાનુ હિલ્સ બિલ્ડિંગ, હેમ એપાર્ટમેન્ટ એમ અલગ અલગ 3 સ્થળોએ ચોર ટોળકીએ કુલ 15 જેટલી દુકાનોના શટર તોડી ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. તસ્કરો એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી ઉપરાંત અન્ય દુકાનોમાંથી પણ નાની મોટી રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસને પડકાર ફેંકનાર ચોર ટોળકીને દબોચી લેવા ટાઉન પોલીસ અને LCB, SOG ની ટીમે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડિંગમાં રહેતા અને આ જ બિલ્ડિંગમાં પોતાનું ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડૉ ધવલ કોટડીયાએ પોતાના ક્લિનિકમાં તેમના પેશન્ટની ફીની પાંચેક મહિનાની રોકડ રકમ અને તેમની પત્ની, તથા પિતાની બચતના રૂપિયા ક્લિનિકના કબાટમાં રાખેલા હતા તે કબાટનો લોક 2 ચોર ઈસમોએ તોડી કુલ 19 લાખ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી ગયા છે.
આ જ સમયગાળામાં ચોર ટોળકીએ અન્ય આસપાસની 5 જેટલી દુકાનોમાં પણ ચોરી કરી હતી. તો, આ વિસ્તારમાં આવેલ ભાનું હિલ્સ નામની બિલ્ડિંગમાં પણ 6 જેટલી દુકાનો અને અન્ય એક એપાર્ટમેન્ટમાં આવેલ 3 થી વધુ દુકાનોમાં પણ હાથફેરો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી વાપી ટાઉન પોલીસ મથક, ડુંગરા પોલીસ મથકમાં કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગાર્ડન વ્યૂમાં આવેલ ક્લિનિકમાંથી 19 લાખની રોકડ રકમની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ચોરીની ઘટના અંગે ટાઉન પોલીસના PI સી. બી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે દુકાનોમાં અને ક્લિનિકમાં લગાવેલ CCTV ચેક કરતા તેમાં 2 અજાણ્યા ચોર ચોરી કરતા નજરે પડ્યા છે. જે આધારે હાલ અન્ય આસપાસના CCTV ફૂટેજ ચેક કરી ચોર ટોળકી કઈ દિશામાં ભાગી છે. તે દિશામાં ટાઉન પોલીસ, LCB, SOG ની ટીમ ને તપાસ સોંપી છે. ચોર ટોળકી ગણતરીના દિવસોમાં પકડાઈ જાય તેવી શકયતા છે. ડેન્ટલ ક્લિનિકમાં માં એકી સાથે 19 લાખ જેવી મોટી રકમ રાખવા પાછળ આ જ બિલ્ડિંગમાં રહેતા તબીબે પોતાના ફ્લેટમાં પૂરતી સિક્યોરિટી ના હોવાનું કારણ દર્શાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ક્લિનિકમાં તસ્કરો માત્ર 11 મિનિટમાં 19 લાખની રકમ ચોરી ગયા છે. તો અન્ય દુકાનોમાંથી નાનીમોટી રકમ, મોબાઇલ અને કેમેરા જેવી ચીજવસ્તુઓ ચોરી ગયા છે. આ વિસ્તારમાં રાત્રિના બાર વાગ્યા સુધી લોકોની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં ડેન્ટલ ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુજબ તસ્કરો રાત્રિના અગિયાર કલાકે જ ક્લિનિકમાં ચોરી કરતા જોવા મળ્યા હતા. જેથી જિલ્લા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.