કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપના 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલી દમણ દિવની જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને વિશેષ માર્ગદર્શન આપવા ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પરિષદમાં ઉપસ્થિત રહીને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ઉપસ્થિત 135 પદાધિકારીઓને વિવિધ વિષયો પર મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે અને ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીએ મહત્વનું સંબોધન કર્યું હતું. આ પરિષદ યોજવા અંગે ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીમાં પ્રશિક્ષણ, પ્રબોધન અને કાર્યકર્તાઓના વિકાસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જે અંતર્ગત ભાજપની પુરા દેશમાં જેટલી જિલ્લા પંચાયત છે. તેના પ્રમુખ ઉપપ્રમુખ માટે છેલ્લા 20 દિવસથી પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ પરિષદ ઉત્તર ભારતના રાજ્યોમાં, બીજી પૂર્વ ભારતના રાજ્યોમાં અને આ ત્રીજી પશ્ચિમ-દક્ષિણ રાજ્યો માટે દમણ ખાતે યોજાય છે.
આ ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ દીવ, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યના જિલ્લા પંચાયતના 135 પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા છે. પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન ભાષણથી પરિષદનો શુભારંભ કરી રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તમામ પદાધિકારીઓ ને સરકારી યોજનાઓ, વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી છે. પંચાયતી રાજના માધ્યમથી સરકારી યોજનાઓને ગ્રામીણ ભારતમાં લઈ જવા અંગેની ભૂમિકા, પાર્ટીની વિચારધારા, ગ્રામીણ વિકાસની વિચારધારા, દરેક પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ને મૂંઝવતી સમસ્યાઓ અને તેના સમાધાન અંગે તેમજ તેના વિકાસ અંગે જે સમસ્યાઓ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પરિષદમાં વર્ચ્યુઅલી જોડાયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત તમામને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને વિશેષ મહત્વ આપી કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે, વિકસિત દેશોની જેમ દેશ વિકસિત થાય, દરેક પંચાયત પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી સમન્વય જાળવે, સરકારી યોજનાઓને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ બને. જીએસટીને પ્રોત્સાહન આપે. વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટ, રૂફટોપ સોલાર પેનલ, અક્ષય ઉર્જા અંગે લોકોને જાગૃત કરે, રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુમાં વધુ તક પુરી પાડે, વિવિધ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપે, ખેડૂત સમૃદ્ધિ યોજનાઓ દ્વારા તેમનો વિકાસ કરે તેવો ઉદ્દેશ આ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પરિષદમાં ઉપસ્થિત ગ્રામીણ વિકાસ મંત્રી તોમર, જળ શક્તિ મંત્રાલયના ગજેન્દ્રસિંહ શેખાવત, મત્સ્ય વ્યવસાય અને પશુપાલનના મંત્રી સહિતના મંત્રીઓ નેતાઓએ દરેક જિલ્લા સ્તરે લોકાભીમુખ કામ કરવા પરિષદમાં ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. પંચાયતોને મજબૂત કરવા અને તેને પરિપૂર્ણ કરવા વિશેષ જાણકારી આપી હતી. આ બે દિવસે કાર્યક્રમમાં આવતીકાલે 19મી ઓગસ્ટના કપિલ મોરેશ્વર પાટીલ સહિતના બીજા મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. જે બાદ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠનના બી. એલ. સંતોષની ઉપસ્થિતિમાં તેનું સમાપન કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા પરિષદમાં દાદરા નગર હવેલી દમણ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત દમણ ના વર્તમાન સાંસદ લાલુ પટેલ, DNH ના પૂર્વ સાંસદ નટુ પટેલ, દાદરા નગર હવેલી દમણ દિવના ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. પરિષદમાં કોઈ કચાસ બાકી રહે નહીં તે માટે દમણમાં DNHDD ના પાલિકા પ્રમુખ, અન્ય હોદ્દેદારોએ ઉત્સાહભેર પોતાની ફરજ નિભાવી પરિષદને સફળ બનાવવા પ્રદર્શનીના આયોજન સાથે તમામ સ્તરે બનતા પ્રયાસો કર્યા હતાં.