Friday, October 18News That Matters

વાપીમાં ગેરકાયદેસર આયુર્વેદિક ક્લિનિક ચલાવી માનવ જિંદગીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ મણિશંકર બીરેન પાંડેની ધરપકડ કરવામાં આવી છે.

વાપી ટાઉન પોલીસે જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગની ફરિયાદ આધારે ક્લિનિકમાંથી 43,384 રૂપિયાની દવાઓનો જથ્થો જપ્ત કરવા સાથે બોગસ તબીબ સામે IPC કલમ 269 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપીમાં વૈશાલી સિનેમા નજીક ભારતી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા મૂળ કાસદર, નોર્થ 24 પરગણાના બોગસ તબીબ મણિશંકર બીરેન પાંડેની ટાઉન પોલીસે ધરપકડ કરી છે.

આ ધરપકડ અંગે મળતી વિગતો મુજબ વાપી તાલુકાના સલવાવ ખાતે આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડૉ. સ્વાતિ પંચાલને વલસાડ જિલ્લા પંચાયત આયુર્વેદિક કચેરીના અધિકારી તરફથી સૂચના આપવામાં આવેલ કે, વાપી સેલવાસ રોડ પર આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં મણિશંકર પાંડે નામનો વ્યક્તિ સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરે છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી.

આ હુકમ આધારે ડૉ. સ્વાતિ પંચાલે UPSC ડુંગરાના મેડિકલ ઓફિસર સાથે તેમજ વાપી ટાઉન પોલીસ ના સ્ટાફ સાથે સાંઈ સંધ્યા ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આ શંકાસ્પદ ક્લિનિકમાં બેસેલ મણિશંકર પાંડેની પૂછપરછ કરતા તેણે ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગની ટીમે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું હતું. જો કે આવું કોઈ પ્રમાણપત્ર તે રજુ કરી શક્યો ન હતો. તે દરમિયાન ક્લિનિકમાં તપાસ કરતા ગેરકાયદેસર દવાઓનો જથ્થો મળી આવતા જેનો કબજો લઈ પોતાને ડોક્ટર ગણાવતા મણિશંકર પાંડેની ટાઉન પોલીસે ધરપકડ કરી હતી.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજીસ્ટ્રેશન અને ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા મણિશંકર પાંડે માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી માનવ જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો, દર્દીઓની સારવાર કરી ટેબ્લેટ, પાવડર તથા અન્ય દવાઓ પણ આપતો હતો. પોલીસે બોગસ તબીબના ક્લિનિકમાંથી ટેબ્લેટ, સિરપ, હર્બલ પાઉચ અને પાવડરનો કુલ 43,384 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ બોગસ તબીબ વિરુદ્ધ ટાઉન પોલીસે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30, 35 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. GMC ના અને આયુર્વેદિક યુનાની ના રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા આ ઈસમ સામે આરોગ્ય વિભાગની તપાસ બાદ હાલ આવા અન્ય જોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *