Friday, October 18News That Matters

વાપી નજીક હાઇવે પર ભેંસના ટોળાએ કેમિકલ ભરેલ ટેન્કરને મરાવી પલ્ટી, હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ

વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મંગળવારે વહેલી સવારે એક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા તેમાં ભરેલ કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. જેને કારણે હાઇવે પર ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. મળતી વિગતો મુજબ ભેંસો નું ટોળું હાઇવે પર આવી જતા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ટેન્કર પલ્ટી મારી ગયું હતું. અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગોકુલ વિહાર ગેટની સામે વહેલી સવારે એક ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સીમરન ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કર નંબર NL01-N-8088માં કેમિકલ ભરેલ હતું. આ કેમિકલ સુરતથી મુંબઈ ટેન્કરમાં લઈ જવાય રહ્યું હતું. ત્યારે હાઇવે પર ભેંસોનું ટોળું આવી જતા તેને બચાવવામાં ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટેન્કર પલ્ટી મારી જતા તેમાં ભરેલ કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. કેમિકલ રસ્તા પર ઢોળાતા ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો.

ઘટનાની જાણકારી વાપી ટાઉન પોલીસ અને ફાયર વિભાગને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પોલીસે ટ્રાફિક સંચાલન હાથ ધર્યું હતું તો, ફાયરના જવાનોએ પાણી અને ફૉમ નો મારો ચલાવી કેમિકલની જલદ અસર હળવી કરી હતી. હાઇવે પર ટેન્કર પલ્ટી મારી જતા સુરત મુંબઈ તરફની લેન પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઇજા સાથે જાનહાની ટળી હતી.

ઉલ્લેખનીય છે કે, આ જ હાઇવે નજીક આગામી 14મી ઓગસ્ટના રાજ્યકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન, રાજ્યપાલ સહિત અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આવી કોઈ અનિચ્છનીય ઘટના જો તે સમયે બનશે તો કાર્યક્રમમાં આવનાર 7 હજાર જેટલા આમંત્રીતો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેથી વહીવટી તંત્રએ આ ઘટના પરથી શીખ લઈ સાવચેત રહેવું હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *