Friday, October 18News That Matters

નેશનલ હેન્ડલૂમ ડે નિમિતે દમણમાં યોજાયો હેન્ડલૂમ ફેશન શૉ, મહિલાઓ-બાળકોએ હેન્ડલૂમના વસ્ત્ર પરિધાન કરી સ્ટેજ પર કર્યું રેમ્પ વૉક…!

સંઘપ્રદેશ દમણમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હેન્ડલૂમ ફેશન શૉ નું આયોજન કર્યું હતું. આ દિવસને ધ્યાનમાં રાખી આયોજિત સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરી હેન્ડલૂમ ઉદ્યોગ કાયમ જળવાય રહે તેનાથી આવતી કાલનું ભવિષ્ય ગણાતા બાળકો પરિચિત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ભારત સરકાર અને વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ હેન્ડલુમની ચીજવસ્તુઓ અંગે પ્રદર્શન યોજી નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. જે અંતર્ગત દમણમાં પણ નેશનલ હેન્ડલુમ ડે નિમિત્તે હેન્ડલુમ ફેશન શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી માંડીને યુવાનો, મહિલાઓએ ખાદી સહિત હેન્ડલૂમમાંથી તૈયાર થયેલ વસ્ત્રોનું પરિધાન કરી દેશની અલગ અલગ સંસ્કૃતિમાં તે કેટલું મહત્વ ધરાવે છે તેનાથી સૌને પરિચિત કરાવ્યા હતાં. ફેશન શૉ માં 3 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ, બાળકોની માતાઓએ રેમ્પ વૉક કર્યું હતું. 3 કેટેગરીમાં આયોજિત ફેશન શૉ માં તમામ 65 જેટલા સ્પર્ધકોએ હેન્ડલૂમમાંથી બનેલ વિવિધ પ્રદેશની સાડીઓ, સલવાર, કુર્તા, પેન્ટ, શર્ટ, તેમજ વેસ્ટર્ન પોષાક માં સજ્જ થઈ સુંદર અદાઓ સાથે અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું.

દમણના પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલ કાટેલા અને ભાજપ મહિલા મોરચા સહિત ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ ફેશન શૉ અંગે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલ કાટેલાએ જણાવ્યું હતું કે હેન્ડલુમ ડે નિમિત્તે મહિલા મોરચા દ્વારા ફેશન શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ વણકર ભાઈઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ ફેશન શૉ સહિત એક સપ્તાહના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંઘ પ્રદેશમાં અનેક મહિલાઓ હેન્ડલુમ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. જેમાં મહિલા મોરચા દ્વારા એક સપ્તાહના કાર્યક્રમમાં આવી મહિલાઓને સન્માન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દમણ ખૂબ જ નાનકડો પ્રદેશ છે જેમાં મોટેભાગે સાડીના વણાટ ઉદ્યોગ સાથે મહિલાઓ સંકળાયેલી છે. જેમને પ્રોત્સાહન કરવા મહિલા મોરચાની ટીમ સતત પ્રયત્નશીલ છે. તો લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરી મહિલાઓ માટે પાપડ, અથાણું જેવી ચીજ વસ્તુ બનાવવાની અને મશરૂમની ખેતી કરવાની તાલીમ આપી પ્રશાસન સાથે સંકલન સાધી માર્કેટિંગ પણ પૂરું પાડવામાં આવે છે. એ જ રીતે વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક પરિવારને પણ પ્રોત્સાહન પૂરું પાડી માર્કેટીંગ પણ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા મહિલા મોરચા દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, હેન્ડલૂમ ઉદ્યોગ કાયમને માટે જળવાઈ રહે આવતી કાલના ભવિષ્ય મનાતા બાળકોને તે અંગે માહિતી માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી દર વર્ષે નેશનલ હેન્ડલુમ ડે ની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે દમણમાં આયોજિત હેન્ડલૂમ ફેશન શૉ માં ભાજપ મહિલા મોરચાની મહિલા કાર્યકર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, દમણ નગરપાલિકા ના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સમક્ષ ફેશન શૉ માં ભાગ લેનાર સ્પર્ધકોએ પોતાની અલગ અલગ અદાઓના કામણ પાથરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *