Friday, October 18News That Matters

ઉમરગામના સંજાણ રેલવે રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિના આધારે નવીનીકરણ કરાશે

દેશમાં આજે એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી સમગ્ર દેશમાં રૂ. 24470 કરોડથી વધુ ખર્ચે પુનઃ નવીનીકરણ થનારાં 508 રેલવે સ્ટેશનો માટે શિલાન્યાસ કર્યો હતો. જે પૈકી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થનાર હોય રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંજાણ સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેની તકતીનું અનાવરણ મંત્રી કનુભાઈ અને સંસદ સભ્ય ડો. કે.સી.પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે દેશના 508 રેલવે સ્ટેશનોને રિનોવેટ કરી, નવી સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આજે સંજાણ અને આજુબાજુની જનતા માટે નવો સુવર્ણ યુગ શરૂ થવા જઈ રહ્યો છે.

વર્ષ 2002માં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે ગુજરાતના વિકાસની કેડી કંડારી હતી. જેમાં આદિવાસી વિકાસ યોજના, શાળા પ્રવેશોત્સવ, ખેડૂતોના વિકાસ માટે પશુ મેળા-કૃષિ મહોત્સવ અને ઉદ્યોગોના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. આજે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યુ છે.

નરેન્દ્રભાઈએ છેલ્લા 9 વર્ષમાં જે કામગીરી કરી છે તેનો ઉત્તમ દાખલો એ છે કે, આપણા દેશ પર 200 વર્ષ રાજ કરનાર ઈંગ્લેન્ડ અર્થતંત્રના વિકાસમાં પાંચમાં ક્રમે હતું તે અત્યારે છઠ્ઠા ક્રમે ધકેલાયું છે અને ભારત પાંચમા ક્રમે આગળ આવ્યું છે. આ નરેન્દ્રભાઈની વહીવટી શક્તિ, દૂરદર્શિતા અને પ્રમાણિકતાને આભારી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ડબલ એન્જિનની સરકારમાં આ સમય ગુજરાત માટે સુવર્ણ કાળ છે. ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ છે. આપણે જે પણ પ્રશ્નો લઈને દિલ્હી જઈએ તેનો તાત્કાલિક ઉકેલ આવે છે.

આ પ્રસંગે પારસી સમાજને યાદ કરી વધુમાં કહ્યું કે, ભારતમાં પારસી સમાજે શરણુ લીધુ ત્યારથી આ સમાજ દ્વારા દેશને એક પણ તકલીફ પડી નથી. દેશના લશ્કરના વડા જનરલ માણેકશા હોય કે દેશમાં ઉદ્યોગોનો પાયો નાંખનાર જમશેદજી ટાટા હોય તમામ પારસી સમાજે દેશમાં શાંતિ જાળવવા અને વિકાસ સાધવામાં અદમ્ય ફાળો આપ્યો છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંજાણના વિકાસ માટે અનેક વિકાસ કાર્યોના પ્રોજેક્ટ હાથ પર લીધા છે એટલે સંજાણવાસીઓ માટે સુવર્ણ કાળ કહી શકાય છે.

નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી ગતિ શક્તિ પ્રોજેક્ટ અમલમાં મુકયો છે. જેમાં ગેસ, વીજળી, પાણી સહિતની વિવિધ કામગીરીની લાઈન માટે તમામ તંત્રોને સાથે રાખી પ્રોજેક્ટ ઝડપથી પુરા થાય તે માટે આયોજન કરાયું છે.

વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, ઈરાનથી આવેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા બાદ દૂધમાં સાકળની જેમ ભળી ગયા છે. પારસી સમાજે દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સંજાણની પ્રજાની રજૂઆત હતી કે, રેલવે ફાટક નં. 68 પાસે અંડર પાસ બ્રિજ બનાવવામાં આવે તેની મંજૂરી મળી ગઈ છે. ભીલાડ અંડરપાસનું કામ ચાલુ છે અને મલાવ ફાટકનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ થશે. આમ પ્રજાના વિકાસ માટે સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. સંજાણ રેલવે સ્ટેશનથી પણ આ વિસ્તારનો તેજ ગતિએ વિકાસ થશે.

પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર નિરજ વર્માએ જણાવ્યું કે, દેશ અને રેલવે બંને પ્રગતિના પંથે છે. રૂ. 18 કરોડ 10 લાખના ખર્ચે સંજાણ રેલવે સ્ટેશનનું પારસી સમાજની સંસ્કૃતિ અને વિરાસતની ઝાંખી દેખાઈ તે મુજબ નવીનીકરણ થશે. જેમાં ગ્રીન બિલ્ડિંગ ધોરણોને અનુરૂપ સુવિધાઓ અને વિકલાંગો માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

508 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે, અત્યારે આખી દુનિયા ભારત પર મીટ માંડી રહી છે. દુનિયાનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. આટલી મોટી સંખ્યામાં સ્ટેશનોનું આધુનિકીકરણ દેશમાં વિકાસ માટે એક નવું વાતાવરણ ઊભું કરશે.

આ અમૃત રેલવે સ્ટેશનો વ્યક્તિનાં સાંસ્કૃતિક વારસામાં ગર્વ લેવાનું પ્રતીક બનશે અને દરેક નાગરિકનાં હૃદયમાં ગર્વની લાગણી પ્રગટાવશે.
ભારતીય રેલવેને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા ભાર મુકાઈ રહ્યો છે.
અત્યારે શ્રેષ્ઠ ઓળખ અને આધુનિક ભવિષ્ય સાથે રેલવેને જોડવાની આપણી જવાબદારી છે.
નવા ભારતમાં વિકાસથી યુવા પેઢી માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે અને યુવાનો દેશના વિકાસને નવી પાંખો આપી રહ્યા છે.

ઑગસ્ટ મહિનો ક્રાંતિ, કૃતજ્ઞતા અને ફરજનો છે. આ મહિનામાં અનેક ઐતિહાસિક પ્રસંગો આવી રહ્યાં છે, જેણે ભારતનાં ઇતિહાસને નવી દિશા આપી હતી. આપણો સ્વતંત્રતા દિવસ આપણાં તિરંગા અને આપણાં દેશની પ્રગતિ તરફ આપણી કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવાનો સમય છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આપણે દરેક ઘરમાં તિરંગો લહેરાવીશું એવો સંકલ્પ લઈશું.

આ પ્રસંગે દેશભક્તિના ગીતો, ગરબા અને અન્ય કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને ડીઆરયુસીસીના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *