વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસલક્ષી કામની ગ્રાન્ટનો ફાયદો સીધો લાભાર્થીને થાય એ માટે વચેટીયાઓને દૂર કરવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. નવી ટેક્નોલજી પર ભાર મૂકી સરકારી લેવડદેવડમાં અનેક ફેરફાર કર્યા છે. આવા જ મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા GeM (Government e Marketplace) પોર્ટલને હાલ અધિકારીઓ અને વેપારીઓએ ગ્રહણ લગાડ્યું છે. જેને કારણે ઉમરગામ તાલુકો ગ્રાન્ટ વાપરવામાં સૌથી પછાત તાલુકો બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે…..!
દેશની દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામ થઈ શકે, તે માટે જરૂરી તમામ પ્રકારની ખરીદી (બાંકડા, પંચાયતનું ફર્નિચર, સ્ટ્રીટ લાઈટ, કચરા પેટી અન્ય જરૂરિયાત મુજબની સાધન સામગ્રી) ઓનલાઈન ખરીદી શકે, સસ્તા દરે ખરીદી શકે, ગ્રાન્ટ મુજબના ભાવમાં ખરીદી શકે તેવા અનેક શુભ વિચાર સાથે વડાપ્રધાને Gem પોર્ટલ લોન્ચ કર્યું છે. જો કે, આ Gem પોર્ટલથી વચેટિયાઓને મળતા પૈસા અટકી જશે. અને તેનો સીધો ફાયદો લાભાર્થીને થશે એ ઉદેશ્ય હતો. પરંતુ હવે આ ડ્રિમ પ્રોજેકટ ને અધિકારીઓનું ગ્રહણ લાગ્યું છે….?
મળતી માહિતી મુજબ પંચાયતમાં થતા વિકાસના કામો માટે જે સાધન સામગ્રીના ભાવ પોર્ટલમાં જણાવવામાં આવે છે. તેમાં તે ઉત્પાદિત કંપનીઓ સાથે જ અધિકારીઓએ મિલીભગત કરી તે ભાવ 4 થી 5 ગણા કરાવી નાખ્યા છે. અધૂરામાં પૂરું આ પોર્ટલ પર ખરીદી કરવા માટે સરપંચો એ ખાસ રજીસ્ટ્રેશન કરી તેના ID પાસવર્ડ બનાવવા પડે છે. અને તે ગુપ્ત રાખવાના હોય છે. પરંતુ આ અંગે અધિકારીઓએ સરપંચો ને કોઈ જ તાલીમ પુરી પાડી નથી. તેમજ યુઝર ID અને પાસવર્ડ પણ પોતાની પાસે જ ગુપ્ત રાખ્યા છે. ઉમરગામ તાલુકાના કેટલાક ગ્રામ પંચાયતો ના સરપંચ ને આ અંગે પૂછતાં તેઓ યુઝર ID પાસવર્ડ થી અને આ સમગ્ર પ્રક્રિયાથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું…..!
બજારમાં જે ચીજવસ્તુઓના ભાવ 500, 1000, કે 5000 છે તે ચીજવસ્તુઓ આ પોર્ટલ પર 3 થી 5 ગણા ભાવે વેંચાઈ રહી છે. ટૂંકમાં એક તરફ પંચાયતે વિકાસના કામો માટે GeM પોર્ટલ પરથી જ ખરીદી કરવી ફરજીયાત છે. પરંતુ તે એટલી મોંઘી છે કે, તેટલું ભંડોળ ગ્રામ પંચાયત માં હોતું નથી. અને જો ગ્રાન્ટ પાસ થઈ છે તો તે પહેલાં કામ કરી ને બાદમાં તેનું બિલ રજૂ કર્યે જ ચુકવણું થાય છે. એમાં પણ બિલ પર કે વિકાસના કામના કુલ બજેટ પર અધિકારીઓ 2 ટકા થી 10 ટકા પોતાના ખિસ્સામાં ઘાલે છે….?
કટકી ના આ પૈસા જિલ્લાના DDO કક્ષાના અધિકારીઓથી માંડીને ગાંધીનગર સુધીના અધિકારીઓને ચૂકવવા પડતા હોવાનો રાગ આલાપે છે….? પંચાયત ના તલાટી થી માંડી ને ચેક ની રકમ પર સહી કરનાર અધિકારીઓ, તેને પહોંચતી કરનાર સરકારી ક્લાર્ક, કારકુન તમામ આ ભ્રષ્ટ નીતિમાં સંકળાયેલ હોય ગ્રામ પંચાયતના સરપંચોની હાલત નહોર વિનાના વાઘ જેવી છે. ગામ લોકોની આશા સરપંચ વિકાસના કાર્ય કરે તેવી છે. પરંતુ સરપંચોને ભ્રષ્ટ અધિકારીઓ ઘેટાં બકરા ચરાવનાર સમજી દબડાવી રહ્યા છે. જેના કારણે ગ્રામ પંચાયતના વિકાસના કામો થતા નથી….?
હાલમાં ઉમરગામના સોળ સુંબા પંચાયતમાં સરપંચ, તલાટી, પૂર્વ સરપંચે આચરેલ કૌભાંડ ચર્ચાની એરણે છે. આ પ્રકરણને વળી અધિકારીઓ જાણે પોતે દૂધે ધોયેલા હોય તેમ કાર્યવાહીના નામે વાહવાહી લૂંટવામાં મશગુલ બન્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ગ્રાન્ટ વાપરવામાં આ તાલુકાની પંચાયતો પછાત પુરવાર થઇ છે. અથવા તો વિકાસલક્ષી કામો ધીમી ગતિએ છે.
તાલુકાના અનેક એવા ગામ છે. જેની ગ્રામ પંચાયત વિકાસલક્ષી કામો કરવા માંગે છે. પરન્તુ તેવા વિકાસના કામમાં મલાઈ શોધતા અધિકારીઓ જ્યાં સુધી મલાઈ મળે નહીં ત્યાં સુધી એ કામને ધરાતલ પર ઉતરવા દેતા નથી. વિકાસના કામમાં પંચાયત ને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી કામ ને અટકવાવવા રોડા નાખી રહ્યા છે. અધિકારીઓના પાપે પંચાયતોમાં ડસ્ટબીન કૌભાંડ, શોપિંગ સેન્ટર કૌભાંડ, જમીન કૌભાંડ થઈ રહ્યા છે….?
આ માટે જેટલા જવાબદાર સરકારી અધિકારીઓ છે એટલા જ જવાબદાર સ્થાનિક રાજકીય નેતાઓ, ધારાસભ્ય અને તેના મળતીયાઓ પણ છે. આ ધારાસભ્ય કે નેતાઓ વિકાસના કામના માત્ર નારિયેળ ફોડી ફોટા પડાવવામાં માહેર છે. જે બાદ તેઓ પણ આ કામ અંગે કોઈ દરકાર સેવતા નથી. અધિકારીઓની જેમ કોન્ટ્રાક્ટરોને છાવરી મલાઈ મળે નહીં ત્યાં સુધી પંચાયતોના જવાબદાર સરપંચ, સભ્યો ને દબડાવી રહ્યા છે….? જે પંચાયતો માં સ્વ ભંડોળ નથી તેવા સરપંચો ની હાલત એને કારણે કફોડી બની છે…..!
આશા કરીએ કે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ જે રીતે ગ્રામ પંચાયત ના કારભારીઓ સામે લાલ આંખ કરતો કાયદાનો દંડો ઉગામ્યો છે. તેમ પોતાના અધિકારીઓ પર પણ કાયદાનો દંડો ઉગામે, અને DDO કક્ષાના અધિકારીઓના નામે કટકી કરતા કટકી બાજો ની સામે પણ લાલ આંખ કરે તે જરૂરી છે. જો વલસાડ જિલ્લાના બાહોશ વિકાસ અધિકારી આ અંગે તપાસ કરશે તો જ વચેટીયા નાબુદી માટે વડાપ્રધાન મોદી જે નિર્ણયો લઈ GeM પોર્ટલ જેવા ડ્રિમ પ્રોજેકટ શરૂ કરે છે. તે પ્રોજેકટ લોક વિકાસ માટે ખરા સાબિત થશે.