Friday, October 18News That Matters

મરીન પોલીસે ફણસા ખાતે GMC ના પ્રમાણપત્ર વિના તબીબી પ્રેક્ટિસ કરતા બંગાલીને 34000 ની દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો….!

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની બજારમાં આનંદ ક્લિનિકના નામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા રાકેશ દેવકી ઘોષ સામે વલસાડ આરોગ્ય વિભાગની ફરિયાદ બાદ મરીન પોલીસે રાકેશ દેવકી ઘોષ ના ક્લોનિકમાંથી 34000 ની દવા, ઇન્જેક્શનના જથ્થા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ તબીબ છે જેના ક્લિનિકનું વાપીના કહેવાતા પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. અને પછી પતાવટના નામે ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કરી આખરે 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતાં.

આ અંગે ઉમરગામ મરીન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મળતી વિગતો જોઈએ તો તારીખ 1લી ઓગસ્ટના ઉમરગામ તાલુકાના ફણસા PHC ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ચેતન પટેલને ઉમરગામ તાલુકા હેલ્થ કચેરી તરફથી જણાવવામાં આવેલ કે, ફણસા બજારમાં ડો. રાકેશ ડી. ઘોષ નામનો વ્યક્તિ આનંદ ક્લિનિકના નામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરે છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી.

આ હુકમ આધારે ફણસા PHC ના મેડિકલ ઓફિસર ડૉ. ચેતન પટેલે મરીન પોલીસ મથકના સ્ટાફ સાથે આનંદ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આ શંકાસ્પદ ક્લિનિકમાં એક વ્યક્તિ બીમાર દર્દીઓનું ચેક અપ કરી સારવાર કરતો હતો. જેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાકેશ દેવકી ઘોષ હોવાનું અને તે ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગની ટીમે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું હતું. જો કે આવું કોઈ પ્રમાણપત્ર તે રજુ કરી શક્યો ન હતો. તે દરમિયાન ક્લિનિકમાં તપાસ કરતા ગેરકાયદેસર દવાઓનો જથ્થો મળી આવતા જેનો કબજો લઈ પોતાને ડોક્ટર ગણાવતા મૂળ વેસ્ટ બંગાળના ઇમરાનપુરના રહેવાસી રાકેશ દેવકી ઘોષની મરીન પોલીસે ધરપકડ કરી હતી.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજીસ્ટ્રેશન વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા રાકેશ ઘોષ સામે ફણસા PHC ના મેડિકલ ઓફિસર ડૉ. ચેતન પટેલે મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30, 35 મુજબ આનંદ ક્લિનિક ચલાવતા બંગાલી રાકેશ દેવકી ઘોષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. GMC ના રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા આ ઈસમ સામે આરોગ્ય વિભાગની તપાસ બાદ હાલ આવા અન્ય જોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

આ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોક્ટરની ક્લિનિકમાંથી પોલીસે રેનીકિડેન, જેન્ટામાઈસીન, ફિનવમાઇનરેલીયેટ, લેક્ઝામીથાઝોન, ઓન્ડેનસેક્ટ્રોન ઇન્જેક્શન, મેટ્રોઝૉક્સ, મોન્ટીઝોલ, અસ્થાટુસ, ટબરિમેટ સિરપ, ડિસ્પોઝેબલ સિરિન્જ, એડીટીએ ટ્યુબ, પ્લેનટ્યુબ, હાઇટેક નિટલ, લીવો ફ્રોકસાસીન, મોન્ટેલ યુકાસ, મેનિફિક જેવી ટેબ્લેટ, સ્ટેથોસ્કોપ, સેનેટાઈઝર વગેરે મળી કુલ 34,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ બંગાલી વ્યક્તિ છે. જેના ક્લિનિકમાં વાપીના કહેવાતા પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જે બાદ વાપીમાં મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ની ઓફિસે બોલાવી તેના ન્યૂઝ નહિ ચલાવવા માટે ફોર્ચ્યુનર કાર ની ડિમાન્ડ કરી આખરે તેઓ 12 જેટલા પત્રકારો હોય 1.80 લાખ રૂપિયા પડાવી સમગ્ર ઘટના પર પડદો પાડી દીધો હતો. જો કે, તે બાદ આ તોડબાજ અને કહેવાતા પત્રકારો સામે એક સ્પા સંચાલકે પાંચ લાખની ખંડણી માંગતી ફરિયાદ કરતા રાકેશે પણ પોતાની પાસેથી આ ટોળકીએ 1.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે કેસમાં વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધી 2 મહિલા પત્રકાર સહિત 5 કહેવાતા પત્રકારોને કોર્ટમાં રજૂ કર્યા હતાં. જેમાં 2 મહિલા પત્રકારને કોર્ટે નવસારી જેલ હવાલે કરવાનો અને 3 કહેવાતા પત્રકાર એવા મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયરૂપદાસ ઉર્ફે જગદીશ વૈષ્ણવ, ઇક્રમ સૈયદ અને કિન્નર દેસાઈને જામીન મુક્ત કર્યા હતાં.

હવે, આ કેસ બાદ આરોગ્ય વિભાગની ટીમે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રાકેશ ઘોષની સામે ફરિયાદ નોંધાવી મરીન પોલીસે તેમની ધરપકડ કરતા આ તોડબાજ કહેવાતા પત્રકારોની ટોળકી ગેલમાં આવી ગઈ છે. અને પોતે જાણે દૂધે ધોયેલા હતા તેમ તેનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે હકીકતે એક પત્રકાર તરીકે જે સમયે જે ફરજ નિભાવવાની હતી તેને બદલે પૈસા લઈ સાચી હકીકતથી લોકોને અજાણ રાખી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં યેનકેન પ્રકારે ભાગીદાર બન્યા હતાં. એ વાત તેઓ નથી સમજ્યા પણ જનતા સમજી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *