વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા 15મી ઓગસ્ટના અને 14મી ઓગસ્ટ સહિત આખા ઓગસ્ટ માસમાં આયોજિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી આ કાર્યક્રમમાં શહેરના દરેક નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોનું વાપીમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. વાપીમાં PTC કોલેજ ખાતે 14મી ઓગસ્ટના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પણ સહભાગી થઈ છે.
આ કાર્યક્રમમાં રાજ્યના અને દેશના ખ્યાતનામ કલાકારો તેમની કલાના કામણ પાથરવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લાઈટ શૉ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આખા ઓગસ્ટ માસ દરમ્યાન પાલિકા દ્વારા કેન્દ્ર સરકારના આદેશ મુજબ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં સહભાગી થશે.
આજના ડિજિટલ યુગમાં પણ લોકો પોતાના શહેરની, વતનની માટી પ્રત્યે દેશભાવના કાયમ રાખે. માં ની મમતા ની જેમ માટી ની મમતા ને પણ અમૂલ્ય સમજે તે અંગે જાગૃતિ કેળવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમમાં વાપીના નાગરિકો, પાલિકામાં તમામ સભ્યો સહભાગી થાય તે માટેની અપીલ સામાન્ય સભામાં કરવામાં આવી હતી.