આજથી 6 વર્ષ પહેલા તા. 27 મે 2017 ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના મંત્રી પુરષોતમભાઈ રૂપાલા અને રસાયણ અને ખાતર, માર્ગ પરિવહન, ધોરીમાર્ગો અને શિપિંગના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે, વાપી ઔદ્યોગિક ક્ષેત્ર અને તેની આસપાસની જાહેર જનતા માટે, VIA દ્વારા સંચાલિત – મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આધુનિક અને ઇકો ફ્રેન્ડલી મુક્તિધામનું લોકાર્પણ વાપી ઔદ્યોગિક ક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિન સુધી લગભગ 4763 જેટલા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. જેને કારણે લગભગ 9,52,600 Kg જેટલા લાકડાની બચત થઇ છે.
મુક્તિધામને 6 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે છેલ્લા 6 વર્ષનો ચિતાર મેળવવા અને તેની ઉજવણી રૂપે આજ રોજ upl -મુક્તિધામ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુક્તિધામની છેલ્લા 6 વર્ષની કામગીરી વિષે વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો હતો.
ઉપરાંત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એક જુની ભઠ્ઠીના સ્થાને નવી બનાવવામાં અને બધી જ ભઠીનુ નવીનીકરણ કરીને જાહેર જનતાની સુવિધા માટે બનાવવામાં આવશે. આ Upl-મુક્તિધામ ખાતે આવેલ પ્રાર્થના સભા ખંડમાં નવી eco proof સિસ્ટમ લગાવવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર યોગેશભાઈ કાબરિયા, મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના માનદ મંત્રી તુષારભાઈ શાહ, સહ માનદ મંત્રી મગનભાઈ સાવલિયા, VIA ના પ્રમુખ નોટીફાઈડ ચેરમેન સતિષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ અને કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.