Friday, October 18News That Matters

દમણમાં પાર્ટી કરવા બેસેલા 6 મિત્રોને તેના જ અન્ય મિત્રએ 25 જણાનું ટોળું બોલાવી ઢીબી નાખ્યા

દમણ પોલીસમાં એક એવી ફરિયાદ નોંધાઇ છે કે આ ફરિયાદની વિગતો સાંભળી હસવું પણ આવે અને મિત્રોની બાબતમાં કેવી પસંદગી કરવી તેની શીખ પણ મળે, કેમ કે દમણ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી અને તેના મિત્રો સહિત 6 જણાને તેમના જ મિત્રએ પાર્ટીમાં આવ્યાં બાદ 25 જણાનું ટોળું બોલાવી ઢીબી નાખ્યા છે. ઉપરાંત જતા જતા 6 હજાર રોકડા રૂપિયા, 7 તોલાની સોનાની ચેન પણ લેતા ગયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા.
સંઘપ્રદેશ દમણમાં નાની દમણ પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ ગત તારીખ 13/09/2021 ના ​​રોજ સડક ફળિયા, આમલીયા, ડાભેલ, નાની દમણના રહીશ ફરિયાદી ગૌતમ કાંતિભાઈ પટેલે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે તેના અન્ય મિત્રો, ફોર્ચ્યુન વર્લ્ડ એપાર્ટમેન્ટ, કોલેજ રોડ નાની દમણ ખાતે પાર્ટીનું આયોજન કરી ખાવા -પીવા બેઠા હતા, જેમાં દુણેઠાનો જયેશ નાનુ પટેલ પણ સામેલ હતો.  
જે બાદ અચાનક જયેશ પોતે પાર્ટીમાંથી ઉભો થઈને જતો રહ્યો હતો. અને થોડીવારમાં તેના અન્ય 20 થી 25 મિત્રો સાથે પરત આવી ફરીયાદી ગૌતમ પટેલ અને તેના મિત્રો જીનલ બાબુ પટેલ, કિરણ ઉર્ફે છનીયો બાબુ પટેલ, કૃપેશ કામલી, કૃશાંગ હરેશ અને અશ્વિન જગુ પટેલ ઉપર લોખંડના સળિયા અને લાકડા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. 
આ મારમારીમાં ફરિયાદી ગૌતમને જમણા હાથ અને જમણી આંખ તથા તેની આજુબાજુ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેના મિત્રોને પણ માર મારી ઇજાઓ પહોંચાડી વધુમાં ગૌતમે પહેરેલ 7 તોલાની ચેન, 6 હજાર રૂપિયા રોકડા છીનવી લઈ તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતાં. 
આ ફરિયાદ આધારે નાની દમણ પોલીસે કલમ 397, 506 (2), r/w 34 ભારતીય દંડ સંહિતા, 1860 હેઠળ કેસ નોંધી આરોપીઓને દબોચી લેવા કવાયત તેજ કરી છે. જો કે આ ઘટનાથી દરેક લોકોએ ચેતવા જેવું છે કે કોઈને પણ મિત્ર બનાવતા પહેલા એ મિત્ર કેવો છે તે જાણીને પછી જ મિત્રતા કરવી જોઈએ અને તેને પાર્ટીમાં આમંત્રણ આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *