વલસાડના વાપી ખાતે આવેલ શ્રી સ્વામિ નારાયણ સ્કૂલ સલવાવ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, RSS ના સ્વયં સેવક દેવેન્દ્ર પીમ્પુટકર, વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી સહિતના આગેવાનોએ રાષ્ટ્ર નિર્માણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
કાર્યક્રમ દરમ્યાન શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, સુરક્ષિત અમરનાથ યાત્રા, લવ જેહાદ પર પૂર્ણ પ્રતિબંધ, સેવા સમરસતા સુરક્ષા તથા સંસ્કારનો વિસ્તાર જેવા સંકલ્પો સાથે હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર થાય દેશના દરેક નાગરિકમાં વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રીય ચરિત્રનો વિકાસ કરાવીએ તેવા સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમમાં વૈદિક ખગોળશાસ્ત્ર, બ્રહ્માંડ, હિન્દૂ રાજાઓએ અન્ય આક્રમણખોરો સામે કરેલા ઐતિહાસિક યુદ્ધો, હિન્દૂ ધર્મ સંસ્કૃતિ શુ હતી જેવા વિષયો પર મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા એવા દેવેન્દ્ર પીમ્પુટકરે જણાવ્યું હતું કે વિશ્વ પટલ પર હિન્દૂ ધર્મના પ્રચાર પ્રસાર માટે 59 વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો પહેલા વિશ્વ આખું ભારતમાતા ના પરમ વૈભવ હેઠળ હતું. ફરી એકવાર ભારત વિશ્વગુરુ બને તેવા સંકલ્પ સાથે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજના સ્થાપના દિવસે રાષ્ટ્રના લોકોમાં વ્યક્તિગત ચરિત્ર સાથે રાષ્ટ્રિયલક્ષી ચરિત્રનો વિકાસ થાય, તેવા કાર્ય કરવાના તેમજ બાળકોમાં રાષ્ટ્ર ચરિત્રનું નિર્માણ થાય તે હેતુથી દરેક બાળકને આયુષ્માન ભવ: એવા આશીર્વાદ આપવાને બદલે રાષ્ટ્રલક્ષી ભવ: એવા આશીર્વાદ આપવાના સંકલ્પ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, હિન્દુઓમાં હિન્દુત્વનો ભાવ જાગૃત કરવા અને તેમને સંગઠિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કામ કરી રહી છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભમુર્હત પર 29 ઓગસ્ટ 1964ના સ્વામી ચિન્મયાનન્દજીના મુંબઇ સ્થિત સાંદીપની આશ્રમમાં પરિષદની સ્થાપના થઇ હતી.
જેના 59માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ RSS ના જિલ્લા સહ કાર્યવાહક, દેવેન્દ્ર પિમ્પુટકર, સ્વામીનારાયણ ગુરૂકુલ, સલવાવના સ્વામી રામ સ્વામી, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર, વિહિપ ગુજરાત પ્રાંત કોષાધ્યક્ષ જીનેશભાઇ નહાર, અજીતસિંહ સોલંકી (વિ.હી.પ. દ. ગુ. પ્રાંત સામાજીક સમરસ્તા સંયોજક) સહિત સમાજના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ કાર્યક્રમના અંતે ભગવાન કૃષ્ણ ની આરતી ઉતારી, મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.