સંઘપ્રદેશ દમણમાં વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક અને ગુટખાના વેંચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ કેટલાક લોકો તેનું ઉલ્લંઘન કરતા હોય વહીવટી તંત્રની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દમણના દેવકા અને જમ્પોર બીચ પર 66 લોકો પાસેથી 58,200 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ વહીવટીતંત્ર દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડામાં દુકાનદારો અને પ્રવાસીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, ગુટખા અને દારૂના વેચાણ અને વપરાશ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર વતી દમણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, એક્સાઇઝ અને મહેસૂલ વિભાગની ટીમોએ સ્થાનિક પોલીસની મદદથી વિવિધ સ્થળોએ દરોડા પાડીને 66 લોકોની અંગઝડતી કરી તેમની પાસેથી 58,200 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
આ કાર્યવાહીમાં દમણ નગરપાલિકા દ્વારા 12 લોકો પાસેથી 7700 રૂપિયા, જિલ્લા પંચાયતની ટીમ દ્વારા 33 લોકો પાસેથી 33000 રૂપિયા, આબકારી વિભાગ દ્વારા 10 લોકો પાસેથી 9800 અને મહેસૂલ વિભાગ દ્વારા 11 લોકો પાસેથી 7700 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાજર દુકાનદારો અને પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓ ખુલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, ગુટખા અને દારૂનો ઉપયોગ કરતા જોવા મળશે તો દંડ વસૂલવામાં આવશે. જેમાં પ્રથમ કિસ્સામાં ઓછો દંડ હશે. પરંતુ બીજી અને ત્રીજી વખત પકડાશે તો તેમની પાસેથી 2 થી 3 ગણો વધુ દંડ વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દમણ જિલ્લા કલેકટર દ્વારા 26મી જુનના એક આદેશ બહાર પાડી વધતા પ્રદુષણ પર અંકુશ મેળવવા સિંગલ યુઝ પ્લાસ્ટિક, પાન મસાલા-ગુટખાના સેવન અને વેંચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.