Friday, October 18News That Matters

વાપીની KBS કોલેજમાં RIVERA-2022-23 માં શાળા-કોલેજના 537 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા

શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં શરીરની ચુસ્તી-સ્ફૂર્તિ માટે અનેક પ્રકારની શારીરિક રમત ગમતનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત વાપી માં આવેલ KBS Commerce and Nataraj Professional Sciences College Vapi ખાતે RIVERA 2022-23 થીમ પર ઇન્ટર કોલેજ અને ઇન્ટર સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 10 કોલેજ અને 27 શાળાના કુલ 537 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. 
વાપીમાં ચણોદ વિસ્તારમાં આવેલ KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે RIVERA-2022-23 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભીલાડ થી સુરત વચ્ચેની 10 કોલેજના 87 થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત 27 શાળાના 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજમાં રહેલા વિદ્યાર્થીઓ અને શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ આપવા સાથે એક જ શાળા કે કોલેજના વધુ વિદ્યાર્થીઓ જો વિજેતા થાય તો તેમને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવતી હોવાનું કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજમાં 5 વર્ષથી કોલેજ અને શાળા વચ્ચે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. કોલેજ કેમ્પસમાં આયોજિત વિવિધ સ્પર્ધામાં ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, કવીઝ કોમ્પીટીશન, પોસ્ટર પેઇન્ટિંગ, વૈજ્ઞાનિક પ્રોજેક્ટ, ટગ ઓફ વોર, ડ્રામા, ડાન્સ અને હેન્ડીક્રાફ્ટ, કમ્પ્યુટર ગેમિંગ, એડમેડ શૉ સહિત કુલ 12 પ્રકારની થીમને આવરી લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર, ટ્રસ્ટી મંડળ દ્વારા એક જ સ્થળે તમામને આમંત્રણ આપી એક અનોખુ આયોજન કરી શકાય તેવા ઉદેશ્ય થી સ્પેનિશ શબ્દ રિવેરા (Rivera) પસંદ કરવામાં આવ્યો છે. જેનો મતલબ જ બધાને એક મંચ પર એકઠા કરી તેમનામાં રહેલ પ્રતિભા ને લોકો સમક્ષ રજુ કરવી એવો થાય છે. એટલે એ શબ્દ આધારે 5 વર્ષ પહેલાં Rivera ટેગ લાઇન, સ્લોગન હેઠળ આ આયોજન કરવામાં આવે છે. જે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માં ઉત્સાહનું અને પ્રતિભાનું સર્જન કરનારું સાબિત થયું છે.
આ RIVERA-2022-23 કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને એકબીજાના સહકારથી આગળ વધવાની ભાવનાને ઉજાગર કરી હતી. દરેક સ્પર્ધામાં પોતાની ક્ષમતા બતાવી હતી. જેઓને કોલેજના ટ્રસ્ટીઓ, કોલેજના શિક્ષકોએ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. એક દિવસીય રિવેરા કોમ્પિટિશન ને કોલેજના ટ્રસ્ટી અને શૈક્ષણિકક્ષેત્રે સતત સેવાની સરવાણી વહાવતા પ્રવિણાબેન શાંતિલાલ શાહ, કાંતિલાલ હરિયા, કમલા બેન હરિયા, રોફેલ ગ્રીમ્સ કોલેજના ડાયરેકટર ડૉ. કેદાર શુક્લાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓ એ પોતાની પ્રતિભાના દર્શન કરાવવા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *