વલસાડ જિલ્લામાં ભિલાડના ઈન્ડિયા પાડા ખાતે નિર્માણ થનાર 51 શક્તિપીઠ ધામ અને ગૌશાળાના લાભાર્થે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકાર ગીતા રબારી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે બંને ગુજરાતી લોકગાયકોએ પઠાણ ફિલ્મ વિશે ટીપ્પણી કરી ડાયરામાં ઉડતા રૂપિયા અને લોકડાયરાનું મહત્વ પણ સમજાવ્યું હતું.
વલસાડના ઉમરગામ તાલુકામાં ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ઇન્ડિયા પાડા ખાતે ૐ ત્રીનેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજારી ગજાનંદ મહારાજે 51 શક્તિપીઠ ધામ બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના લાભાર્થે વાપીના VIA ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા લોકગાયક ગીતા રબારી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની સંગાથે આયોજિત આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભજન રસિકો તેમજ માયાભાઈ આહીર અને ગીતા રબારીના ચાહકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ગીતા રબારીએ જણાવ્યું હતું કે, લોકડાયરામાં જે રૂપિયા કલાકારો પર ઉડાડવામાં આવે છે. જે ફંડ ભેગું થાય છે તે શિક્ષણમાં, ગાયોના ગૌશાળા માટે કે મંદિર નિર્માણ માટે વપરાય છે. એટલે ડાયરામાં પૈસા ઉડાડવા પાછળનો આ શુભ હેતુ રહેલો છે. આજનો ડાયરો પણ 51 શક્તિપીઠના નિર્માણ માટે જ છે. ગીતા રબારીએ હાલમાં ભગવા વસ્ત્રને લઈને પઠાણ ફિલ્મનો જે વિરોધ થાય છે તે અંગે જણાવ્યું હતું કે, બોલીવુડ હોય કે કોઈ પણ દરેકે ધર્મનું ધ્યાન રાખવું જોઈએ.
લોકડાયરામાં ઉપસ્થિત રહેલા માયાભાઈએ ગજાનંદ મહારાજનો આ સંકલ્પ વહેલી તકે પૂર્ણ થાય તેવું જણાવી લોકડાયરાના અયોજનો અંગે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પારિવારિક કે સામાજિક ક્ષેત્રે સમાધાન માટે લોક ડાયરા નું આયોજન થતું હતું. સંસ્કૃતિના જતન સાથે ડેલીએ ડાયરા થતા હતા. તો, કલાકારો પર રૂપિયા ઉડાડવા અંગે જણાવ્યું હતું કે, રૂપિયા ઉડાડવાનો હેતુ સંપતિવાનના મતે ગાયકો, સામાજિક સંસ્કૃતિ આગળ ઓળઘોળ છે તેવા અર્થમાં ઉડાડવાનો છે. સંપત્તિ પરમાર્થના કાર્યમાં વપરાય છે. પઠાણ ફિલ્મ અંગે તેમણે ટિપ્પણી કરી હતી કે ફિલ્મવાળાઓએ ક્યુ લૂગડું ક્યાં સારું લાગે તે જોવું જોઈએ. ભગવો દેશની શાન છે તેના પર કંટ્રોલ રાખવો જોઈએ. લોક ડાયરાની લોકપ્રિયતા અંગે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી ડાયરામાં યુવાનો આગળ આવ્યા છે તેને સ્વીકારી રહ્યા છે. લોકડાયરો એ ઘરના ભોજન બાદ મળતા ઓડકાર જેવો છે. લોકડાયરાની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે.
લોકડાયરાનું આયોજન કરનાર ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગજાનંદ મહારાજે જણાવ્યું હતું કે, માતા શક્તિના જે 51 શક્તિપીઠ છે. તે ભારત ઉપરાંત પાકિસ્તાન જેવા દુરદરાજના સ્થળે છે. જેના દર્શન કરવા દરેક માઇભક્ત માટે શક્ય નથી. એટલે તમામ 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે થાય, દેશની પ્રગતિ થાય, સમાજ વ્યવસનમુક્ત બને તેવો શુભ હેતુ આ 51 શક્તિપીઠ ધામના નિર્માણ પાછળ રહેલો છે.
વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ લોકડાયરામાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી, ઉમરગામ, સેલવાસ, દમણના ઉદ્યોગપતિઓ, જિલ્લાના પોલીસ અધિકારીઓ, કથાકારો, સમાજના શ્રેષ્ઠીઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને લોકગાયક ગીતા રબારી અને સાહિત્યકાર માયાભાઈ આહિરે મોજ કરાવી હતી. તો, ઉપસ્થિત દાતાઓએ પણ દિલ ખોલીને દાનની સરવાણી વહાવી હતી.