Sunday, December 22News That Matters

દમણના બારમા આવેલા વાપીના 3 યુવક માંથી એકની હત્યા, 2 ઘાયલ, નજીવી બાબતે હત્યા કરનાર 4 આરોપીની દમણ પોલીસે કરી ધરપકડ

દમણના કચીગામના એક બારમા ગત મોડી રાત્રે બે ટેબલ પર બેસેલા ગ્રાહકો વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા એક યુવકની કરપીણ હત્યાનો અને 2યુવકોને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, સમગ્ર પ્રકરણમાં કચીગામ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,

મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ નજીકના બાયડના રહીશ અને વર્ષોથી વાપીના હિરલ પાર્કની રોયલ જેમ્સ બિલ્ડિંગમાં રહેતા વેટરનરી ડોક્ટર પિયુષ પટેલનો એકનો એક પુત્ર ઋતુલ પટેલ ઉંમર વર્ષ 26 કે જે ગાંધીનગરમાં નોકરી કરતો હતો, ત્રણ દિવસ પહેલા ઋતુલનો જન્મ દિવસ હતો, પોતાનો જન્મ દિવસ માતા પિતા સાથે ઉજવવા ઋતુલ ત્રણ દિવસ પહેલા જ વાપી આવ્યો હતો, જે બાદ ગઈ કાલે તેના બે સંબંધી મિત્રો નેહ પટેલ અને આકાશ પટેલ સાથે દમણના કચીગામ સ્થિત દિપાલી બારમા પાર્ટી માટે ગયા હતા,

જ્યાં અરસપરસની વાતચીત દરમ્યાન તેમની બાજુના ટેબલ પર બેસેલા અન્ય ઈસમો સુશીલ કુમાર પાંડે ઉમર વર્ષ 19, વિશાલ જમાદાર ઉમર વર્ષ 20, સબ્બીર મોહમ્મદ ઉમર વર્ષ 24 ત્રણેય રહે વાપી અને ભાવિન પટેલ ઉંમર વર્ષ 30 રહે વેલપરવા ગામ તાલુકો પારડીએ ઋતુલ અને તેના સાથી મિત્રોને ધીમા અવાજે વાતચીત કરવાની ટકોર કરતા બંને ટેબલના યુવકો વચ્ચે નજીવી બોલાચાલી થઇ હતી,

પરંતુ પાર્ટી પતાવ્યા બાદ ઋતુલ અને તેના બંને મિત્રો જેવા બારની બહાર નીકળ્યા કે પાછળથી સુશીલ, વિશાલ, સબ્બીર અને ભાવિને ધારદાર હથિયાર વડે ત્રણેય યુવકો પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઋતુલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જયારે અન્ય બે મિત્રો નેહ અને આકાશને પણ ગંભીર રીતે ઘાયલ કરીને ચારેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા,

ઘટનાની જાણ કચીગામ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતક ઋતુલના મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ અર્થે મોટી દમણ સીએચસી ખાતે મોકલી દેવામાં આવ્યો હતો, જયારે ઘાયલ નેહ અને આકાશને વધુ સારવાર અર્થે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા,

મામલાની ગંભીરતાને જોઈને કચીગામ પોલીસે ભાગેલા હત્યારાઓને જબ્બે કરવા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને દમણ અને વાપીના માર્ગોના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ, ખાનગી બાતમી અને ટેક્નિકલ ઈનપુટ્સના આધારે ફરાર થયેલા ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા,

જો કે ધીમે વાત કરવા જેવી નજીવી બાબતમાં ડોક્ટર પરિવારના એકના એક આશાસ્પદ પુત્રના થયેલા કરૂણ મોતથી તેના પરિવાર અને સોસાયટીમાં આક્રંદ સાથે ભારે શોકની લાગણી ફેલાઈ હતી. હાલ દમણ પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવા સાથે આગળની કાર્યવાહી કચીગામ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *