Friday, January 31News That Matters

સરીગામ GIDCની કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 4ના મોત 2 ઘાયલ, 24 કલાકથી વધુ ચાલ્યું રેસ્કયુ ઓપરેશન 

વલસાડ જિલ્લાની સરીગામ GIDC માં આવેલ Ven petrochem and pharma લીમીટેડ નામની કંપનીમાં સોમવારે રાત્રે બ્લાસ્ટ થયો થયો હતો. બ્લાસ્ટ બાદ કંપનીનો 2 માળનો સ્લેબ ધરાશાઈ થયો હતો. આ ઘટના બાદ વહીવટીતંત્ર એ 24 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળ હટાવ્યો હતો. જેમાંથી 4 મૃતદેહો મળી આવતા તેમની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC માં સોમવારે રાત્રે Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં 11:30 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકામાં કંપનીનો સિમેન્ટ કોન્ક્રીટ ના સ્લેબ સાથે બનાવેલ શેડ ધરાશાઈ થયો હતો. ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી બીજા દિવસે મંગળવારે મોડી રાત સુધી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો, ઘટના અંગે GPCB ના અધિકારી અને ફેકટરી ઇન્સ્પેક્ટરે સ્થળ મુલાકાત કરી આગ, બ્લાસ્ટ અને જાનહાની અંગેની વિગતો તેમજ પ્રાથમિક તારણો રજૂ કર્યા હતાં.
કંપનીમાં બનેલ ઘટના અંગે સરીગામ GPCB ના અધિકારી ઓ. એ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાત્રી દરમ્યાન કંપનીમાં કામકાજ બંધ હતું પરંતુ કોઈક ચકાસણી કરવા માટે 4 કામદારો અને સિક્યુરિટી ગાર્ડ અંદર ગયા હતાં. તે દરમ્યાન સ્ટોરેજ અને પેકિંગ એરિયામાં બ્લાસ્ટ થયો હતો. કંપની ફાર્મ ઇન્ટરમીડિયેટ અને સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ પર ઉત્પાદન કરતી હતી. બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. તેમજ કંપનીનું એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. હાલ GPCB દ્વારા આ ઘટના બાદ વાતાવરણમાં હવાને, પાણીને કેટલું પ્રદુષિત કર્યું છે. તે અંગે કાર્યવાહી કરી છે. ઘટના દરમ્યાન ધૂળ ના રજકણો હવામાં ભળ્યા છે.
તો, વલસાડ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH) ડી. કે. વસાવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ અને ફાયરની ઘટના બની હતી. જે દરમ્યાન 4 જેટલા કંપનીના કામદારો અને સિક્યુરિટી ગાર્ડ અંદર જ ફસાયા હોવાની જાણકારી મળી હતી. જેથી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી સાધન સામગ્રી અને સ્ટાફને બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રાત્રે 11:30 વાગ્યા આસપાસની ઘટના બાદ ધરાશાયી થયેલ સ્લેબના કાટમાળમાંથી સવાર સુધીમાં 3 મૃતદેહો મળ્યા હતાં. 2 કામદારો ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં. જ્યારે મંગળવારે મોડી રાત્રે એટલે કે 24 કલાક બાદ 4થો મૃતદેહ મળી આવ્યો હતો.
કંપની સંચાલકો તરફથી વિગતો મળી હતી કે, આગ અને બ્લાસ્ટની ઘટના પહેલા સુભાષ સરૈયા, કીર્તિ પટેલ, પ્રતાપ ભાગદોડીયા અને વિકેશ ઘોડી નામના 4 કામદારોના મૃતદેહો ક્ષત વિક્ષત હાલતમાં કાટમાળ નીચેથી મળી આવ્યા છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડ પ્રદીપ પાગી અને ડ્રાઇવર મોન્ટી કાંતિલાલ પટેલ ઘાયલ થયા હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ચારેય મૃતદેહો હાલના તબક્કે ઓળખ કરવી મુશ્કેલ છે. એટલે તેમની ઓળખ કરી તેમના પરિવાજનોને સુપરત કરવામાં આવશે.
વધુમાં DISH ના અધિકારીએ ઘટના અંગે પ્રાથમિક તારણો રજૂ કરતા જણાવ્યું હતું કે, બ્લાસ્ટની ઘટના દરમ્યાન કંપનીમાં આ તમામ લોકો પોતાના ઘરેથી કંપનીમાં આવ્યા હતાં. કંપનીના સ્ટોરેજ કમ પેકિંગ એરિયામાં કઈંક ગરબડી હોવાનો તેમને મેસેજ મળ્યો હતો. જે બાદ તેની ચકાસણી કરવા તેઓ અંદર ગયા હતા. ત્યારે ફિનિશ પ્રોડક્ટ અને પેકિંગ એરિયામાં આ ધડાકો થયો હતો. જેમાં 4ના મૃત્યુ થયા હતા જ્યારે 2 ઘાયલ થયા હતાં. બ્લાસ્ટ અને આગની ઘટના બાદ પોલીસ, GPCB વહીવટીતંત્ર અને ફાયરના જવાનોએ સ્લેબનો કાટમાળ હટાવી મંગળવારે મોડી રાત સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢ્યા હતાં. બ્લાસ્ટ-આગ અને જાનહાની ની આ અરેરાટી જનક ઘટના સ્ટેટિક ચાર્જ ના સ્પાર્ક બાદ બની હોવાનું પ્રાથમિક તારણ કાઢી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે મૃતકના પરિવાજનો સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે કંપનીમાં બનેલી ઘટનાને વલસાડ જિલ્લા પ્રશાસને દુઃખદ ઘટના ગણાવી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તમામ ચારેય મૃતકના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેવી વિગતો વલસાડ કલેકટર ક્ષિપ્રા આગે એ આપી હતી. તેમજ આવી ઘટના દરમ્યાન અફવાથી દૂર રહી પ્રશાસન ની સૂચના પર જ ભરોસો રાખવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *