Friday, October 18News That Matters

વાપીમાં 4 ઇંચ વરસાદથી અન્ડરબ્રિજ સહિત નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી તમામ મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સોમવારે 1 ઇંચ થી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપીમાં અને ભીલડમાં રેલવે અન્ડરપાસમાં ગોઠણ સુધીના પાણી ભરાતા વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો.
સોમવારે વાપીમાં સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 100mm વરસાદ વરસતા વહનચાલકોએ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. વાપીમાં અનેક નિચાણવાળા વિસ્તારમાં તેમજ રેલવે અન્ડર પાસ માં પાણી ભરાયા હતાં. રેલવે અન્ડર પાસમાં પાણી ભરાતા વાહનચાલકો ની અવરજવર બંધ કરી હતી. જેને કારણે વાપી દમણ બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
વલસાડ જિલ્લામાં સોમવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરગામ તાલુકામાં 121mm, કપરાડા તાલુકામાં 34mm, ધરમપુર તાલુકામાં 18mm, પારડી તાલુકામાં 109mm, વલસાડ તાલુકામાં 50mm, વાપી તાલુકામાં 100mm વરસાદ વરસ્યો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 37.2mm, દમણમાં 78.4mm વરસાદ વરસ્યો છે.
આખો દિવસ હળવાથી ભારે વરસાદી ઝાંપટા વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઉમરગામ, વલસાડ, પારડી અને વાપીમાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં તેમજ હાઇવે પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો વલસાડ તાલુકામાં સૌથી વધુ 675mm વરસાદ વરસ્યો છે. જે બાદ ઉમરગામ તાલુકામાં 629mm, વાપી તાલુકામાં 574mm, પારડી તાલુકામાં 550mm, કપરાડા તાલુકામાં 438mm અને ધરમપુર તાલુકામાં સૌથી ઓછો 414mm વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *