Friday, December 27News That Matters

વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા! 

વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે 26 જૂન સુધીમાં પડતા વરસાદની સરેરાશ સામે આ વખતે 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં અને આમ નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આવા જ હાલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે દર વખતે ચોમાસામાં આ વિસ્તારમાં જેટલો વરસાદ જૂન માસમાં પડે છે તેની સરેરાશ સામે આ વખતે દાદરા નગર હવેલીમાં 67 ટકા અને દમણમાં 39 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે. એ સિવાય તુવર, અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે. દર વર્ષે જૂન માસની 26મી જૂન સુધીમાં અહીં સરેરાશ 269.3 mm વરસાદ વરસે છે. જ્યારે આ વખતે માત્ર 181.5 mm વરસાદ વરસ્યો છે. એ જ રીતે દાદરા નગર હવેલીમાં અને દમણમાં 26 જૂન સુધીમાં સરેરાશ 283 mm વરસાદ વરસે છે. જે આ વખતે દાદરા નગર હવેલીમાં 110 mm અને દમણ માં 185 mm વરસાદ જ વરસ્યો છે. એક તરફ 26મી જૂને વાદળછાયા વાતાવરણ અને અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાએ પોતાની છડી પોકારી છે અને જિલ્લાના ઉમરગામ સિવાય અન્ય તાલુકામાં  વરસવાનું શરૂ કર્યું છે. જેમાં ધરમપુર માં 45mm, વાપીમાં 10 mm, પારડીમાં 6mm, વલસાડ માં 7mm અને કપરાડામાં માત્ર 1mm જેટલો વરસાદ સવારના 6 થી સાંજના 6 સુધીમાં વરસ્યો હતો. જેને કારણે લોકોએ વધુ બફારાનો સામનો કર્યો છે.
વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસુ સિઝનની વાત કરીએ તો 26મી જૂન 2022 સુધીમાં તાલુકા મુજબ ઉમરગામમાં સૌથી વધુ 327 mm વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી તાલુકામાં સૌથી ઓછો માત્ર 141 mm વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં વાપી માં 151mm, ધરમપુરમાં 195 mm કપરાડા માં 237mm અને વલસાડમાં 211 mm વરસાદ વરસી ચુક્યો છે.
વર્ષ 2021 માં પણ મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા હતા. ચોમાસુ વહેલું બેસ્યા બાદ જાણે મેઘરાજા રિસાયા હોય તેમ વલસાડ જિલ્લામાં 1 જૂન થી 30 જૂન સુધીમાં સરેરાશ 338 mm વરસાદ વરસ્યો હતો. જે તાલુકા મુજબ જોઈએ તો ધરમપુર તાલુકામાં સૌથી ઓછો 259mm, કપરાડા તાલુકામાં સૌથી વધુ 390mm, વાપી તાલુકામાં 343mm, વલસાડ તાલુકામાં 348mm, ઉમરગામ તાલુકામાં 325mm અને પારડી તાલુકામાં 370 mm વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં વર્ષ 2020માં 29મી જૂન સુધીમાં તાલુકા મુજબ કપરાડામાં સૌથી વધુ 344 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે પારડી તાલુકામાં સૌથી ઓછો માત્ર 20 mm વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં વાપી માં 94mm, ધરમપુરમાં 241 mm ઉમરગામમાં 108 mm અને વલસાડમાં 92 mm વરસાદ વરસ્યો હતો.
વર્ષ 2019માં 29મી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામા સિઝનનો કુલ 231mm વરસાદ નોંધાયો હતો. પારડીમાં 290mm વરસાદ, ધરમપુરમાં 217mm,  કપરડામાં 318mm, વાપીમાં 311 mm, ઉમરગામમાં 224.5mm વરસાદ નોંધાયો હતો.જ્યારે સંઘપ્રદેશ દમણમાં 192.5mm અને દાદરા નગર હવેલીમાં 300 mm વરસાદ નોંધાયો હતો.
ત્યારે સતત વરસાદના અંકડાઓમાં થતી વધઘટ વચ્ચે આ વખતે વહેલું ચોમાસુ બેસી ગયા બાદ પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. જુનમાં સરેરાશ ઝાપટા બાદ 26મી જૂને પણ મેઘરાજાના મનામણાં તૂટ્યા નથી. ઉલ્ટાનું વલસાડ તાલુકામાં 40 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે વિજળીના કડાકા અને વાદળોની ગર્જના વચ્ચે શંકરતળાવ ગામે પૂનાઇ માતાના મંદિરના શિખર પર વિજળી પડતાં ઘુમ્મટ તૂટી પડ્યું હતુ,જ્યારે શિખરના અમુક ભાગે તિરાડ પડી જતાં ભક્તો અને ગ્રામજનોમાં ચોમાસુ નબળું જવાની ચિંતા પ્રસરી છે.
જિલ્લામાં ચાલૂ વર્ષે કેરીની સીઝન મોડી પડવા સાથે 11 જૂને ચોમાસું બેસી જતાં મેઘરાજાની પ્રથમ એન્ટ્રી થઇ હતી.જેને લઇ કેરીનો પાક લેતાં ખેડૂતોની આંબાવાડીઓમાં કેરી બેડાણની કામગીરી ઠપ થઇ ગઇ હતી. ત્યારબાદ મેઘરાજાએ 20 જૂને ફરી ધડાકાભેર એન્ટ્રી મારતાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તે પછી વચ્ચેના ગાળામાં વરસાદ ગાયબ થઇ ગયો હતો.જો કે રવિવારે સાંજે જિલ્લાના હવામાનમાં પલટો આવતાં આકાશમાં વાદળોની ઘરેરાટી શરૂ થઇ ગઇ હતી. આ સાથે વિજળીના પ્રચંડ કડાકાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ભારે પવન સાથે વિજળીના ચમકારાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ મેઘરાજા ગાયબ જ રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં સરેરાશ ચોમાસાની સિઝન દરમ્યાન 2000mm થી 3700mm સુધીનો વરસાદ વરસતો હોય છે . જે દર બે કે ત્રણ વર્ષે ભારેથી અતિભારે અથવા તો ધાર્યા કરતાં ઓછો એ મુજબ વરસે છે. આ સિસ્ટમ પાછલા 100 વરસથી અવિરત ચાલી રહી છે. જેમાં ક્યારેક સતત ત્રણેક વર્ષ સુધી જૂન મહિનામાં જ મેઘરાજા મબલખ આકાશી પાણી વરસાવે છે. તો, ક્યારેક સતત ત્રણેક વર્ષ સુધી ખેડૂતોને રાહ જોવડાવી ત્યારબાદ તરબોળ કરે છે, કેમ કે જૂન મહિના બાદ પણ બાકીના મહિનામાં આ વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે, એટલે આ વર્ષે પણ શરૂઆતમાં ભલે ચોમાસુ નબળું જણાતું હોય પણ વર્ષ નબળું નહિ જાય તે આશા સદાય જીવંત રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *