કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રવિવારે સુરતથી દમણ બીચ પર ફરવા આવેલા 5 યુવકો દરિયામાં ન્હાવા પડ્યા બાદ 3 યુવકો પરત નહિ આવતા દમણ પ્રશાસને યુવકોની શોધખોળ હાથ ધરી છે. ઘટના રવિવારે સાંજે 5 વાગ્યે બન્યા બાદ બીજા દિવસે સોમવારે 10 વાગ્યા સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી.
રવિવારે દમણના દરિયા કિનારે ફરી એકવાર પ્રવાસીઓ ડૂબી ગયા હોવાની ઘટનાથી ફાયર, પોલીસ અને પ્રશાસન દોડતું થયું છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 20 થી 25 વર્ષના 5 મિત્રો દમણમાં ફરવા આવ્યાં હતાં. દમણ ફરવા આવેલા આ પાંચેય મિત્રો દમણમાં ખાણીપીણી ની મોજ માણી મોટી દમણ લાઈટ હાઉસ નજીક દરિયામાં ન્હાવા પડ્યા હતાં.
દરિયાની ઊંચી ભરતીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રો પૈકી 25 વર્ષનો મુકેશ અને 24 વર્ષનો સાવન દરિયામાંથી બહાર આવી ગયા હતાં. જ્યારે તેમના સાથીમિત્રો એવા 20 વર્ષીય ઋષભ, 23 વર્ષીય રાહુલ, 24 વર્ષીય વાસુ દરિયાના મોજા સાથે તણાઈ ગયા હતાં. જેઓ બહાર નહિ આવતા તેની શોધખોળ માટે પોલીસ કોસ્ટલ કર્મચારીઓ, ફાયર સ્ટાફ અને કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરને જાણ કરતા તેઓએ શોધખોળ હાથ ધરી હતી.
દરિયામાં 5 વ્યક્તિઓ પૈકી 3 યુવકોની ડૂબી જવાની જાણકારી પોલીસ, ફાયર અને પ્રશાસનને મળતા તાત્કાલિક સ્થાનિક બોટ લઈને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેજિસ્ટ્રેટ અને અન્ય એજન્સીઓને જાણ કરી હતી. પોલીસ અને ફાયર કર્મીઓ દ્વારા યુવકોની શોધખોળમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી હતી. જો કે મોડી રાતથી સોમવારના સવારના 10 વાગ્યા સુધીના 17 કલાકના સમયથી ચાલી રહેલ શોધખોળમાં યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા બચી ગયેલ 2 યુવકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કુલ 05 વ્યક્તિઓ સુરતથી દમણ આવ્યા હતા અને તેઓએ દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ બધા લાઇટ હાઉસ મોટી દમણ પાસે દરિયામાં તરવા ગયા હતા. જેમાં 3 વ્યક્તિઓ બહાર નીકળી નથી. અત્રે નોંધનીય છે કે દમણના દરિયામાં આ પહેલા પણ આવા ગમખ્વાર બનાવો બની ચુક્યા છે. પ્રશાસન દરેક વખતે પોલીસ સ્ટાફ, લાઇફગાર્ડ રાખવાના અને દરિયામાં કોઈને પણ ન્હાવા નહિ દેવાના પરિપત્ર બહાર પાડે છે. પરંતુ તેનો અમલ થતો ના હોય પ્રવાસીઓની ડૂબવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે.