વાપી :- વલસાડ જિલ્લામાં સોમવારે વરસાદી માહોલ જામ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી ધીમીધારે વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લાના વાપી, વલસાડ અને પારડી તાલુકામાં 3 ઇંચ તો ઉમરગામ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાપી અને વલસાડમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વલસાડ જિલ્લામાં સોમવારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વાપીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ 10 થી 12 વાગ્યા વચ્ચે 2 ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. એ જ રીતે વલસાડના ગરનાળામાં પાણી ભરાતા નજીકના 40 જેટલા ગામના વાહનોની અવરજવરને અસર પહોંચી છે.
વલસાડ જિલ્લામાં સોમવારના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક માં અડધો થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે બાદ બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 81mm, પારડી તાલુકામાં 73mm, વાપી તાલુકામાં 83mm, ઉમરગામ તાલુકામાં 96mm, ધરમપુર તાલુકામાં 24mm અને કપરાડા તાલુકામાં 33mm વરસાદ વરસ્યો છે.