Friday, February 28News That Matters

21મી જૂન વિશ્વ યોગ દિવસની જાગૃતિ માટે વાપી પ્રમુખ ગ્રીનમાં યોગ દિવસની કરાઈ ઉજવણી

21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે યોગ હર ઘર ઘર જેવા અભિયાનને વેગ મળે, લોકો યોગ પ્રત્યે જાગૃત થાય, તેવા ઉદેશથી વાપીની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં યોગગુરુના માર્ગદર્શન હેઠળ યોગના વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યો, સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રિ-યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિખ્યાત યોગગુરુ દ્વારા યોગના વિવિધ આસનો સાથે યોગનું મહત્વ સમજાવ્યું હતું.

આ યોગ જાગૃતિના કાર્યક્રમમાં ઉપસ્થિત વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, 21મી જૂનને વિશ્વ યોગ દિવસની માન્યતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી દુનિયામાં યોગને ખ્યાતિ અપાવી છે. ત્યારે, યોગની જાગૃતિ અંગે પ્રમુખ ગ્રીન સોસાયટીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ દિવસને ઉત્સાહ તરીકે ઉજવવામાં આવે છે તે માટે પ્રમુખ ગ્રીનના પ્રમુખ વિશાલ કાપડિયા, સેક્રેટરી ઉદયભાઇને અભિનંદન આપ્યા હતા.

કારોબારી ચેરમેન નીતિશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું તે રવિવારનો દિવસ મોટેભાગે લોકો બહાર ફરવા ફરવામાં વિતાવતા હોય છે. પરંતુ, પ્રમુખ ગ્રીન સોસાયટીમાં તમામ રહીશોએ યોગ માટે સમય કાઢી યોગ ઉત્સવની આ ઉજવણીમાં જોડાયા છે. નગરપાલિકા પણ તેમને ખાતરી આપે છે કે, તેમના સામાજિક કાર્યમાં અને સોસાયટીને લગતા કાર્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે મદદરૂપ બનવા તત્પર રહેશે.

યોગ ઉત્સવની આ ઉજવણીમાં ઇન્ટરનેશનલ યોગ ટ્રેનર મોના પાનવાલા દ્વારા પ્રમુખ ગ્રીન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષની યોગના ક્લાસ ચલાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે સોસાયટીના દરેક સભ્યો દ્વારા તેમને ખૂબ જ સારો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સોસાયટીના રહીશોમાં યોગ પ્રત્યે રહેલી ઉત્કંઠાને જોઈને યોગાસનના નવા નવા સ્ટેપ શિખાડવાની તેમને પ્રેરણા મળી રહી છે. યોગ એ કોઈ પુખ્ત વયના વ્યક્તિઓ માટે જ નથી. તે દરેક વયની વ્યક્તિ માટે ઉપયોગી છે. ઘર ઘર સુધી યોગની જાગૃતિ લાવવા અને યોગને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લોકો અપનાવતા થાય તેવા ઉદ્દેશ્યથી આ પ્રકારના આયોજનો કરતા રહે છે.

પ્રમુખ ગ્રીન સોસાયટીના રહેવાસી એવા નિમેષ નાયકે જણાવ્યું હતું કે પ્રમુખ ગ્રીન સોસાયટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. યોગ દિવસની શરૂઆતના સમયે મોટેભાગે સરકારી કચેરીઓમાં અથવા સરકાર આયોજિત કાર્યક્રમમાં જ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. તે સમયથી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં યોગ દિવસ ને ઉજવવામાં આવે છે. સોસાયટીના તમામ રહીશો યોગ દિવસને તહેવારના રૂપમાં ઉજવે છે. સોસાયટીમાં અંદાજિત 2500 જેટલા લોકો યોગને નવી ઉંચાઈએ પહોંચાડવા એકઠા થયા છે. જેમાં સોસાયટીના કમિટી મેમ્બરો, નગરપાલિકાના વોર્ડ સભ્યો, નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે 21મી જૂનને હજુ વાર છે તે પહેલા જ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે તમામ યોગને ઉત્સાહભેર ઉજવે તેવા ઉદ્દેશ્યથી આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના કારોબારી ચેરમેન, આ વોર્ડના સભ્યો તેમજ સોસાયટીમાં જ રહેતા જીગ્નેશ દેસાઈ સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી યોગના આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. સોસાયટીના તમામ સભ્યોએ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *