વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં દુર્ગામાતા નજીક જમીન જોવા આવેલા એક વ્યક્તિ પર અન્ય 2 લોકોએ અમારી માલિકીની જમીનમાં કેમ આવ્યો છે કહી લોખંડના સળિયા વડે માર મારી બેસાડી રાખ્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે ઘટના સ્થળે જઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા સાથે 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદી પિંકેશ પ્રકાશ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, તેમના મામા એવા કાંતિભાઈ પટેલ ટાંકી ફળિયામાં તેમની માલિકીની જમીન જોવા ગયા હતાં. ત્યારે ટાંકી ફળિયામાં રહેતા કમલેશ કાંતિ પટેલે અમારી માલિકીની જમીન જોવા કેમ આવ્યા તેમ કહી લોખંડના સળિયા વડે હુમલો કરી પગના ભાગે ઇજાઓ પહોંચાડી તેને પકડી રાખી ઢીક્કા મુકીનો માર માર્યો હતો. એ દરમ્યાન અન્ય દમણના અરવિંદ વિઠ્ઠલ પટેલને બોલાવતા તેમણે પણ કાંતિ પટેલને ઢીક્કા મુકીનો માર માર્યો હતો.
પોલીસે ઘટનાને ગંભીર ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…….
બંને આરોપીઓએ કાંતિ પટેલને માર મારી પકડી રાખી ઘર પાસે બેસાડી રાખ્યો હોવાની જાણ ભાણેજ પિંકેશ પટેલને થતા પિંકેશ પટેલે વાપી ટાઉન પોલીસ ને જાણ કરી પોલીસ સાથે ટાંકી ફળિયામાં આવી મામા કાંતિલાલને મુક્ત કરાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યારે ઇજા પહોંચાડનાર કમલેશ પટેલ અને અરવિંદ પટેલ વિરુદ્ધ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બને વિરુદ્ધ ફરિયાદ નોંધી ઘટનાને ગંભીર ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.