Friday, October 18News That Matters

ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 125 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 13મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ડુંગરા સ્થિતિ શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 125 જેટલા યુવાનોની આ પદયાત્રાને વાપી શહેર અને VIA પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, કોષાધ્યક્ષ દર્પણ દેસાઈ, ટ્રસ્ટી દિપક પટેલ અને નાથુભાઈ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.

પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની, સાઈબાબાની અને ગણેશજીની આરતી ઉતારી હતી. જે બાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, વાપીના લોકોની આરોગ્ય સુખાકારી માટે ડુંગરાના યુવકો દ્વારા દર વર્ષની જેમ આ 13 માં વર્ષે પણ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે.

શિરડી સાઈબાબા ના દર્શને નીકળેલા આ પદયાત્રીઓ દરરોજના 50 કિલોમીટરનું અંતર કાપી છ દિવસમાં યાત્રા પૂર્ણ કરશે. તેમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે આખું ગામ તેમને પ્રસ્થાન કરાવવા ઉપસ્થિત રહ્યું છે. તમામે પદયાત્રીઓને શુભેચ્છા આપી છે. જનહિતાયના ઉદેશ્ય સાથે નીકળેલી આ યાત્રા સુખરૂપે પૂર્ણ કરે તેવી મહાદેવ પાસે પ્રાર્થના કરી છે. યાત્રીઓનો યાત્રા પાછળનો જે શુભ હેતુ છે. તેમાં સફળ થાય તેવા શુભ આશિષ છે.

પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવા માજી પાલિકા પ્રમુખ પ્રમુખ વિઠ્ઠલ ભાઈ પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે પણ ડુંગરાના પંચકેશ્વર મહાદેવ મંદિરથી શિરડી સાઈબાબા ધામ સુધીની આ પાલખીયાત્રામાં તમામ પદયાત્રીઓને કોઈ જ વિઘ્ન ના આવે સુખરૂપ યાત્રા સંપન્ન કરે સાંઈબાબાના દર્શન કરે હેમખેમ પરત ફરે તેવી શુભેચ્છા આપી હતી.

ડુંગરાના વતની અને ભાજપના કોષાધ્યક્ષ તેમજ પદયાત્રીઓની યાત્રામાં પોતાનું યોગદાન આપનાર દર્પણ દેસાઈએ પદયાત્રીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને ગામના દરેક વ્યક્તિને એક સાથે રાખી એકતાના સંદેશ સાથે યોજાતી આ યાત્રા આ જ રીતે કાયમ યોજાતી રહે, લોકોની એકતા જળવાય રહે તેવી પ્રાર્થના પંચકેશ્વર મહાદેવ સમક્ષ કરી શુભ યાત્રાના આશીર્વાદ આપ્યા હતાં.

ગામના અગ્રણી અને પંચકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દિપક પટેલે જણાવ્યું હતું કે, ગામના યુવાનો દ્વારા છેલ્લા 15 વર્ષથી ડુંગરાથી શિરડીની પદયાત્રા યોજવામાં આવે છે. આ પદયાત્રા માટે ગામના યુવાનો અને શહેરના દાતાઓ સંપૂર્ણ સહકાર આપે છે. આ વખતની પદયાત્રા 13મી પદયાત્રા છે. જેમાં 125 જેટલા પદયાત્રીઓ જોડાયેલ છે. જેઓને યાત્રા દરમ્યાન કોઈ જ તકલીફ ના પડે તેની તકેદારી રાખવામાં આવી છે. પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને જમવાની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા સમગ્ર યાત્રાના રૂટ પર મળતી રહે તેની વિશેષ કાળજી લેવાઈ છે. પદયાત્રીઓની યાત્રાને પ્રસ્થાન કરાવવા શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ગામલોકોની સાથે તેઓએ પણ ઉત્સાહભેર પદયાત્રીઓને પ્રસ્થાન કરાવ્યું છે. જે બદલ ગામ તેમનું ઋણી રહેશે. વાપીના લોકોનું આરોગ્ય જળવાય રહે, ડુંગરા વિસ્તારનો સતત વિકાસ થતો રહે, એકતાની ભાવના કેળવાય એ આ પદયાત્રાનો ઉદેશ્ય છે.

ઉલ્લેખનીય છે કે, ડુંગરા પંચકેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના દર્શન કરી શિરડી સાંઈબાબાના દર્શને નીકળેલ 125 પદયાત્રીઓને સમગ્ર ગામના લોકોએ શુભયાત્રાના આશીર્વાદ આપ્યા હતાં. મહિલાઓ, પુરુષો, બાળકોએ મહાદેવની આરતી કરી DJ ના તાલે પદયાત્રીઓને વાજતેગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાનું આયોજન કરનાર હિતેશ પટેલ, રાહુલ સાબલે, ભાકો પટેલ અને રાકેશ પટેલ નામના યુવાનોને સુંદર આયોજન અને સંપૂર્ણ વ્યવસ્થા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *