Friday, October 18News That Matters

વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા 111માં બિહાર દિવસની કરાઈ ઉજવણી

વલસાડ જિલ્લાના વાપીમાં વેપારધંધા અર્થે સ્થાઈ થયેલા બિહાર રાજ્યના લોકોએ પ્રથમ વખત વાપીમાં બિહાર દિવસની ઉજવણી કરી હતી. વાપીમાં કાર્યરત બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત આ બિહાર દિવસ ની ઉજવણી નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન સંધ્યા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંસ્થાના સંતો, વાપી GIDC માં કાર્યરત ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, VIA ના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

વાપી નજીક છીરી ગામમા આવેલ કે. પી. વિદ્યાલય ખાતે બુધવારે 22મી માર્ચે બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં કાર્યરત બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા પ્રથમ વખત બિહાર દિવસની ઉજવણીનું અયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માં શાળાના બાળકો, વાલીઓની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. તો જાણીતા તબલવાદક સંતોષ પાઠક અને જાણીતા ગાયક કલાકાર આરાધ્યા શર્માએ ભજનની રમઝટ બોલાવી હતી.

બિહાર દિવસની સાથે ગુડી પડવો, ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નોરતાનો પ્રારંભ પણ થતો હોય બિહાર વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘ સહિત એસોસિએશનના સભ્યોએ તમામને હાર્દિક શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, વાપીમાં વસતા બિહારના લોકો ગુજરાતને કર્મભૂમિ અને બિહારને ધર્મભૂમિ માને છે. ગુજરાતમાં રહીને પણ બિહારની સંસ્કૃતિ પરંપરાને જાળવી રાખવા સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત વાપીમાં પ્રથમ વખત બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન સંધ્યા, મહાપ્રસાદ નું આયોજન કરી બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી છે.

બિહાર દિવસની ઉજવણીમાં વિશેષ ઉપસ્થિત રહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે આજનો દિવસ હિન્દુ ધર્મનો પવિત્ર દિવસ છે. આજથી હિન્દુ નવું વર્ષ શરૂ થયું છે. ચૈત્રી નવરાત્રીનું પ્રથમ નોરતું છે. ગુડી પડવો છે અને એ જ રીતે બિહાર દિવસ પણ છે. બિહાર વેલફેર એસોસિએશન દ્વારા આ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. બિહારથી ગુજરાતમાં આવી ગુજરાતને કર્મભૂમિ બનાવનારા બિહારના લોકો ગુજરાતમાં પાણીમાં જેમ સાંકળ ભળી જાય તેમ ભળી ગયા છે. જેઓ ગુજરાતના, બિહારના અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

કપિલ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, માતા સરસ્વતીનું સૌથી વધુ પૂજન બિહારમાં થાય છે. નાલંદા જેવી વિશ્વવિદ્યાલય બિહારમાં છે. શિક્ષણ ક્ષેત્રે બિહાર આગવું રાજ્ય છે. IAS-IPS કક્ષાના સૌથી વધુ અધિકારીઓ બિહારના છે. પોતે પણ જે રાષ્ટ્રીય સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય સંરક્ષક છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બિહારના છે. આજના આ બિહાર દિવસ નિમિત્તે બિહારના લોકોએ એકત્ર થઈ બિહાર રાજ્યની સંસ્કૃતિ પરંપરાના દર્શન કરાવ્યા છે. બાળકોમાં જ્ઞાનનું સંસ્કારનું સિંચન થાય તેવા પ્રયાસ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બિહાર દિવસની ઉજવણી નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલ, વાપી GIDC ના વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, શાળાના બાળકો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ, બિહારના 111માં વર્ષના બિહાર દિવસની ઉજવણી કરી હતી. વર્ષ 1912માં 22મી માર્ચે અંગ્રેજોએ બંગાળ પ્રાંતમાંથી બિહારને અલગ કરી સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી દર વર્ષે બિહારમાં 22મી માર્ચે બિહાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *