વાપીમાં આવેલ શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 30મી ડિસેમ્બરે 10માં સ્થાપના દિન નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.
શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના 10માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ મુન્નાભાઈ સી.શાહ (એક્રાપેક ઇન્ડિયા પ્રા.લિ) અને ડૉ. સંધ્યાબેન એમ. શાહને (વર્ધમાન ફિઝીયોથેરાપી ક્લિનિક) મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ‘પરિવર્તન’ વિષય પર યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિગણ, શાળાના પ્રેસિડેન્ટ સુંદરલાલ આર. શાહ, સેક્રેટરી ચંદ્રેશભાઇ એસ. શાહ, આચાર્ય શ્રદ્ઘાબેન દેસાઈ તથા અન્ય કારોબારી સભ્ય દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક અદભુત નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવેલ હતી જેના દ્વારા વાલીઓ અને અન્ય પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતાં.
જે બાદ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્યોધન કરવામાં આવ્યું હતું. શાળાના તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા હતાં, શ્રીમતી શ્રદ્ધાબેન દેસાઈના સબળ નેતૃત્વ હેઠળ શાળા જ્યારે દસ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓની વિશિષ્ટ શૈક્ષણિક અને બહુઆયામી સિદ્ધિઓને આચાર્ય દ્વારા વાર્ષિક અહેવાલરૂપે રજૂ કરવામાં આવેલ હતી, સમગ્ર શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી, ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે શાળામાં પ્રિ-સ્કૂલથી માંડીને ધોરણ 12 સુધીના બાળકો અભ્યાસ કરે છે. જેઓને અભ્યાસ સાથે ભારત સરકારની વિવિધ યોજનાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે થતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક પુરી પાડી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે. જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ ખેલ, શૈક્ષણિક ક્ષેત્ર અને સામાજિક પ્રવૃતિઓ, સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે યોજાયેલ બોર્ડ એક્ઝામમાં શાળાએ ધોરણ 10 અને ધોરણ 12માં 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે.