Friday, December 27News That Matters

કપરાડાના ઓઝરડા ગામે ઝેરી સાપના ડંખની સામે જીવન રક્ષક બની 108 એમ્બ્યુલન્સ સેવા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ખેતરમાં દૂધી તોડવા ગયેલ મહિલાને ઝેરી સાપ કરડ્યા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108ની ટીમે તાત્કાલિક મદદરૂપ બની મહિલાનો જીવ બચાવી લીધો હતો.
ઘટના અંગે 108 તરફથી આપેલી વિગતો મુજબ શુક્રવારે અંદાજીત 8:24 AM વાગ્યાની આસપાસ 108 નંબર ઉપર ઇમરજન્સી માટે કોલ આવ્યો હતો કે, ઓઝરડા ગામે સેગુ‌ ફલીયુ ખાતે રહેતા પારુબેન રાવજીભાઈ વાઘાત નામની 40 વર્ષીય મહિલા સવારે 07 વાગે ખેતર‌ માં દુધી તોડવા ગયા હતા ત્યારે ઝેરી સાપે ડંખ દીધો હતો.
સાપના ઝેરને કારણે હાલત ક્રિટિકલ હતી…….
જે જાણકારી મળ્યા બાદ નજીકમાં રહેલી કપરાડા-3 (માંડવા) લોકેશન ની 108 એમ્બ્યુલન્સના EMT પ્રિયંકાબેન પટેલ અને સાથી પાયલોટ નિલેશભાઈ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા. પારુબેન રાવજીભાઈ વાઘાતની હાલત ખૂબ જ ક્રિટિકલ હતી. આંખે ઝાંખપણુ, હલનચલનમાં તકલીફ, ચક્કર, નિષ્ક્રિયતા આવવી, આખા શરીરે ધૃજારી, પેટમાં દુખાવો થઈ રહ્યો હતો તથા આંખોમાં પણ તેને અંધારા આવતા હતા અને ચક્કર આવતા હતા. સાપના ઝેરને પરિણામે આખા શરીરમાં ધૃજારી થઈ રહી હતી.
જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી………
પરિસ્થિતિની ગંભીરતા જોતા એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દર્દીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ માં લઈને સારવાર આપવાની શરૂઆત કરાઈ હતી. જરૂરી વાઈટલ ચેક કરીને EMT પ્રિયંકાબેને 108ના અમદાવાદ સ્થિત ડૉ. મહેતા મેમ સાથે વાત કરીને એમ્બ્યુલન્સ માં હાજર ASV (સર્પના ઝેર વિરોધી) ઇન્જેક્શન આપીને મહિલાનો જીવ બચાવી લીધો હતો. તેમજ જરૂર જણાતા દર્દીને સ્પ્લિન્ટ કરીને પોઝિશન આપવામાં આવી હતી. ત્યારબાદ IV કેન્યુલા ઇન્સર્ટ કરીને અન્ય જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી હતી. પરિણામે પારુબેન ની કન્ડિશનમાં હકારાત્મક સુધારો આવ્યો હતો.
યોગ્ય સારવાર આપતા પારુબેન નો જીવ બચી ગયો………
મહિલાને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. આમ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચીને યોગ્ય સારવાર આપતા પારુબેન નો જીવ બચી ગયો હતો. જે જોઈ પરિવારમાં ખુશી છવાઈ હતી અને તમામે 108ના સ્ટાફનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *