Friday, January 31News That Matters

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ, દમણગંગા નદી સહિત તમામ નદી નાળા છલકાતા 21 લોકોને રેસ્ક્યુ કર્યા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી સાકરતોડ નદીમાં ભારે પુર આવ્યું છે. એ વિસ્તારમાં આવેલ દૂધની, કરચોન્ડ સહિતના 15 જેટલા ગામના લોકો માટે આવાગમન ના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતા NDRF ટિમ દ્વારા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ભારે પુર આવતા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. 06 BN NDRF ને દાદરા નગર હવેલી પ્રશાસને સૂચિત કરતા NDRF ની એક ટુકડી રાત્રે ખાનવેલ પહોંચી હતી. જ્યાં 12 મહિલા, 6 પુરુષ સહિત બાળકો મળી કુલ 21 લોકોને નદી કાંઠા વિસ્તારમાં આવેલા પુરના પાણીમાંથી રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે મધુબન ડેમમાં પણ મોડી રાત્રે પાણીની આવક 2 લાખ ક્યુસેક થતા 1.95 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.

ગત રાત્રે દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે મધુબન ડેમમાં પાણીની આવક 2,037,08 ક્યુસેક થઈ હતી. અને ડેમનું લેવલ 72.70 મીટર સુધી પહોંચતા તે રુલ લેવલ જાળવવા વહીવટીતંત્ર એ 2.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની જાહેરાત કરી નજીકના ગામલોકોને નદીકાંઠાથી દૂર રહેવા સૂચના આપી હતી. જો કે, વરસાદ ધીમો પડતા અને પાણીની આવકમાં ઘટાડો નોંધાતા મોડી રાત્રે 10 દરવાજા 4 મીટર સુધી ખોલી 1,95,789 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું.

જે બાદ શુક્રવારે વહેલી સવાર સુધીમાં મધુબન ડેમમાં પાણીની આવક 89,665 ક્યુસેક થતા હાલ 10 દરવાજા 5 મીટર સુધી ખોલી 1,45,268 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો, દાદરા નગર હવેલીના ખાનવેલમાં ભારે વરસાદમાં નદીઓમાં અને ખાડીઓમાં પુરની સ્થિતિ યથાવત હોય વહીવટી તંત્ર સજ્જ બની કોઈ જાનહાની થાય નહિ તેવી સાવચેતી દાખવી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો પાછલા 24 કલાકમાં સેલવાસના ખાનવેલમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સેલવાસમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. દમણ માં 2 ઇંચથી વધુ જ્યારે વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકામાં સરેરાશ 2 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં સીઝનના કુલ વરસાદની વિગત જોઈએ તો, વલસાડ તાલુકામાં 1554mm, ધરમપુર તાલુકામાં 1624mm, પારડી તાલુકામાં 1769mm, જ્યારે કપરાડા તાલુકામાં સૌથી વધુ 2324mm વરસાદ વરસ્યો છે. ઉમરગામ તાલુકામાં 1998mm તો વાપીમાં 2011mm વરસાદ નોંધાયો છે. એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 2033mm, ખાનવેલમાં 1969mm અને દમણ માં 1930 mm વરસાદ વરસ્યો છે. હજુ આગામી 24 કલાકમાં પણ ખાનવેલ સહિત દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હોય લોકોને સાવચેત કરવા સાથે NDRF ની ટિમ અને વહીવટીતંત્ર ખડેપગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *