વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગુમ થયેલ અરજદારોના 8 અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ટ્રેસ કરાવી શોધી આપી મહત્વની કામગીરી કરી છે. પોલીસે વલસાડ, ધનોરી, પારડી, દમણ, મુંબઇ, નાશીક વિસ્તારમાંથી મોબાઈલ હસ્તગત કર્યા છે. જે તમામ મોબાઈલ ફોન વલસાડના ડી – માર્ટ, મગોદ ડુંગરી, જુજવા, ગુંદલાવ, અતુલથી ગુમ થયા હતાં.
આ અંગે વલસાડ રૂરલ પોલીસે આપેલી વિગતો મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પો.સ્ટે.ના PSI અમીરાજસિંહ જે. રાણા દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ દિવસોના અંતરે પો.સ્ટે.માં મોબાઇલ ગુમ થયાની અરજીઓ અરજદાર દ્વારા મળી હતી.
ગુમ થયેલ મોબાઇલ ફોનનુ ટ્રેસીંગ કરાવવા પો.સ્ટે.ના પો.કો. હિતેશભાઇ પરસોતમભાઇને કામગીરી સોંપી હતી. જેના દ્વારા 8 અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વલસાડ, ધનોરી, પારડી, દમણ, મુંબઇ, નાશીક વિસ્તારમાંથી હસ્તગત કર્યા હતા. અને આ મોબાઇલ ફોન ધારકોનો સંપર્ક કરી તેઓને પરત કરતા અરજદારો દ્વારા પોલીસની કામગીરીને બીરદાવવામાં આવી હતી.
ગુમ થયેલ મોબાઈલ અંગે નોંધાયેલ ફરિયાદમાં દક્ષાબેન પુરોહિતનો 14,900 રૂપિયાનો મોબાઈલ 16/10/2021 ના D માર્ટ ખાતે ખરીદી કરવા ગયેલ ત્યારે ગુમ થયેલ હતો. નીતાબેન રાજેશભાઇ ટંડેલનો 13,000ની કિંમતનો મોબાઈલ તા. 03/12/2021 ના રોજ પોતાના ઘરે મગોદ ડુંગરી લગ્ન પ્રસંગમાંથી ગુમ થયેલ હતો. જીતેન્દ્રભાઇ રામુભાઇ નાયકાનો 7500ની કિંમતનો મોબાઈલ ફોન તા. 28/11/2021 ના રોજ જુજવા ગામ ફળીયામાંથી ગુમ થયેલ હતો. રજત મુનેન સૈનીનો 12,000ની કિંમતનો મોબાઈલ ફોન તા. 09/02/2022 ના રોજ ગુંદલાવ ફલાહ હોટલથી ગુમ થયેલ હતો. પરેશભાઇ ધીરૂભાઇ રાઠોડનો 13000ની કિંમતનો મોબાઇલ ફોન 09/02/2002ના રોજ ગુંદલાવ જી.આઇ.ડી.સી.થી ગુમ થયેલ હતો. અશોકભાઇ રતનભાઇ ચાવડાનો 18,500ની કિંમતનો મોબાઇલ ફોન 09/06/2021 ના રોજ ગુંદલાવ ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી ગુમ થયેલ હતો. વિજયભાઇ મગનભાઇ ભોયાનો 21,000 ની કિંમતનો મોબાઇલ ફોન 25/03/2022 ના રોજ ગુંદલાવ ચાર રસ્તાથી ગુમ થયેલ હતો. પંકજ ફકિરભાઇ લાડનો 9200ની કિંમતનો મોબાઇલ ફોન 09/02/2022 ના રોજ અતુલથી ગુમ થયેલ હતો. જે તમામ અરજદારોને મોબાઈલ પરત કર્યા હતાં.
આ અંગે પોલીસે જાહેર જનતા જોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, હાલમાં મોબાઇલ ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. જેથી જાહેર જનતાને અપીલ છે કે, પોતાનો મોબાઇલ ફોન ગમે તે જગ્યાએ અથવા જાહેર જગ્યાએ ભુલી ન જવો, તેમાં અગત્યના ડેટા હોય છે જે, મોબાઇલ ફોન ગુમ થયા બાદ ઉપયોગ કરનાર ઇસમ તે ડેટાનો મીસ યુઝ અથવા ફોર્મેટ કરતા હોય છે માટે મોબાઇલ ફોનમાં ટ્રેકિંગ માટે યુઝર પાસવર્ડ તથા IMEI નંબર અલગથી લખીને વ્યવસ્થીત જગ્યાએ સેવ રાખવા જોઇએ અને મોબાઇલ ગુમ થાય ત્યારે તાત્કાલીક નજીકના પો.સ્ટે.માં જાણ કરવી જેથી મોબાઇલ ફોનનો કોઇ ગુન્હાખોરીમાં દુર ઉપયોગ ન થાય.