Friday, September 13News That Matters

બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપીંડી કરનાર માસ્ટર માઇન્ડને વલસાડ પોલીસે દબોચી લીધો

મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઇ વટાવી લેનાર એક માસ્ટરમાઇન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 1 લાખ 2 હજાર રોકડ, 2 સોનાના સિક્કા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.વાપીમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ બેંકમાં ચેક જમા કરવા આવેલ ગ્રાહકોના ચેક ચોરી થતા હતા અને તે બાદ તે ચેક પરની રકમ અન્ય શાખામાંથી ઉપાડી લેવામાં આવતી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે.

ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા કારણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપી GIDC માં આવેલ bank of baroda માં ઓગસ્ટ મહિનામાં બે ચેક ની ચોરી થઈ હતી. એ ચેક ના પૈસા અન્ય બેંક ઓફ બરોડાની શાખામાંથી એન્કેશ કરી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી.

જે અંગે તાત્કાલિક વાપી GIDC, ડુંગરા, ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને તપાસ સોંપી હતી. અને તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી. જે દરમ્યાન તારીખ 30 મી ઓગસ્ટના  ફરી એક્સિસ બેન્કમાં ચેકની ચોરી થઈ હતી. અને અન્ય એક્સિસ બેન્કમાં તેને વટાવવા જતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.

ચેકની ચોરી કરનાર આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મૂળ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે. અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને વાપી આવતો હતો. તેને ઝડપી પાડ્યા બાદ પૂછપરછ કરતા એમણે જણાવ્યું હતું કે, એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં જતો હતો. અને જે ક્લાયન્ટ બેંકમાં ચેક નાખી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઇઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપ બોક્ષમાં પડી ગયો છે. તેવા બહાના હેઠળ અથવા તો જેતે કસ્ટમરના ચેકના નામની ખોટી ઓળખ ઉભી કરી તે ચેક તફડાવી અન્ય બેંકમાંથી પૈસા ઉપાડી લેતો હતો.

બેંકમાં જ્યારે કોઈ આઈકાર્ડ માંગતું ત્યારે એની પાસે મોબાઈલમાં એક સોફ્ટવેર હતું. જે આધારે જે પણ વ્યક્તિનું નામ છે. એ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણા ઉપાડી લેતો હતો.

આ માસ્ટર માઈન્ડ આરોપી પાસેથી 1,02,770 રૂપિયા રોકડા મળી આવ્યાં છે. અત્યાર સુધીમાં તે વાપીમાં આવા 4 લાખના નાણાં ઉપાડી ચુક્યો છે. જેમાંથી તેમણે 50 ગ્રામના 2 સોનાના સિક્કા પણ ખરીદ્યા છે. જે પોલીસે રિકવર કર્યા છે.

બેંકમાંથી જ ચેક ની ચોરી કરતા પકડાયેલ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્માએ ભરૂચમાં પણ આ પ્રકારે ચોરી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલી છે. જેથી વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયાના માધ્યમથી લોકોને અને તમામ બેન્કોને અપીલ કરી છે કે, આ વ્યક્તિનો જે પણ ભોગ બન્યું હોય તે પોલીસ ફરિયાદ કરવા આવશે તો પોલીસ તેને ચોક્કસ ન્યાય અપાવશે.

ઉલ્લેખનીય છે કે, બેંકમાંથી જ આ પ્રકારની ચેકની ચોરીની થિયરી જલ્દી ગળે ઉતરે તેવી નથી. સામાન્ય રીતે બેંકમાં આ પ્રકારની ચેકની ચોરી બેંકના કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી વિના શક્ય નથી. જેથી એ દિશામાં પણ વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *