Thursday, December 5News That Matters

વાપીમાં ગરદનથી માથાના ભાગે ઘુસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્યું

વાપીમાં એક શ્રમિક પરિવારનો પાંચ વર્ષનો બાળક બીજા માળેથી પડી ગયો હતો. જેની ગરદનથી માથાના ભાગે એક સળિયો આરપાર નીકળી ગયો હતો. જેનું વાપીની ખાનગી હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરી બાળકને નવજીવન આપ્યું છે. આ ઓપરેશનનો તમામ ખર્ચ પણ હોસ્પિટલે પોતે ભોગવ્યો છે.

વાપીમાં આવેલ હરિયા હોસ્પિટલમાં એક પાંચ વર્ષના બાળકનું અજીબોગરીબ ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લેવાયો છે. ગરદનના પાછળના ભાગેથી માથાના ભાગે આરપાર નીકળેલા સળિયાને બહાર કાઢી તબીબોએ સફળ ઓપરેશન કર્યું છે.

ગત 12મી ઓક્ટોબરે વાપીની હરિયા હોસ્પિટલમાં એક ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતી. આદિત્ય નામના આ પાંચ વર્ષના બાળકના માથામાં આરપાર સળિયો ઘુસી ગયો હતો. જેના સફળ ઓપરેશન અંગે હરિયા હોસ્પિટલના ન્યુરોસર્જન વાસુદેવ ચાંદવાણીએ જણાવ્યું હતું કે, વાપીના ભડકમોરા વિસ્તારમાં એક કન્સ્ટ્રકશન સાઈડ ઉપર કામ કરતા શ્રમિક રવિન્દ્ર રાજભરના પાંચ વર્ષના પુત્ર આદિત્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

આદિત્ય રવિન્દ્ર રાજભર નામનો આ બાળક બીજા માળેથી પડી ગયો હતો. અને એક સળીયો તેના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને માથાના ભાગે આરપાર નીકળી ગયો હતો. જેથી તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. ચાર કલાકના ઓપરેશન બાદ સળિયાને બહાર કાઢવામાં આવ્યો હતો.

તબીબે જણાવ્યું હતું કે, સળીયો મગજના ડાબા હિસ્સામાં આરપાર નીકળી ગયો હતો જેમાં લોહીની મુખ્ય નસને પણ ઇજા પહોંચી હતી. એ ઉપરાંત આંખની અમુક નસો પણ એ ભાગમાં હોય આ ઓપરેશન ખૂબ જ સાવધાની અને સાવચેતી પૂર્વક કરવામાં આવ્યું હતું.

આ સફળ ઓપરેશન બાદ આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. સળિયાના કારણે તેની આંખને કે મગજને લોહી પૂરું પાડતી નસ ને કોઈ જ તકલીફ પડી નથી. એક મહિના સુધી આ બાળકની સારવાર કરવામાં આવી હતી. જે બાદ તેને હાલમાં રજા આપવામાં આવી છે.

ગળાથી માથાના ભાગે આરપાર ઘુસેલા સળિયા સાથે આ બાળકને તેમના પિતા અને સ્વજનો હોસ્પિટલમાં લાવ્યા હતાં. આ શ્રમિક પરિવાર પાસે બાળકના ઓપરેશનના પૈસા પણ નહોતા તેથી બાળકને બચાવવા માટે ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ હોસ્પિટલે પોતે ઉપાડ્યો હતો. ઓપરેશન બાદ હાલમાં બાળકને કોઈ જ પ્રકારનું ઇન્ફેક્શન કે બીજી કોઈ તકલીફ પડી નથી. 12 નવેમ્બરે બાળકને રજા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ અંગે તબીબે જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ ઘટના બને ત્યારે બાળકને અથવા તો જે તે વ્યક્તિને કોઈપણ પ્રકારનો સળીયો ઘૂસી ગઈ હોય તો તે બહાર કાઢવાની કોશિશ કરવી નહીં, તેને સીધો હોસ્પિટલમાં લાવે અને હોસ્પિટલમાં ઓપરેશન દ્વારા જ તે સળીયો બહાર કાઢવામાં આવે તો તેમાં લોહીનો વ્યય ઓછો થાય છે. અને દર્દીની જિંદગી બચાવી શકાય છે.

ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં લોકોએ હેલ્મેટ ગમબુટ સહિતના સુરક્ષાના સાધનો પહેરીને કામ કરવું જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર અથવા તો પોતાના ઘરે બાળકોને બાલ્કની થી દૂર રાખવા જોઈએ. બાલ્કનીની આસપાસ ઝાળીનું સુરક્ષા કવચ રાખવું જોઈએ. જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *