વાપી ટાઉન પોલીસે એક એવી હત્યાનો આરોપી પકડ્યો છે. જે એટલો ઝનૂની છે કે, તેણે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખી છે. હત્યા કરનાર આરોપી વાપીના ગીતા નગરના ટાંકી ફળિયામાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારે છે. અને ભીખ માંગીને કે, કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાપી ટાંકી ફળીયા પાણીની ટાંકી સામે 31મી ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ ચોંકાવનારી વિગતો આપી હતી. જિલ્લા પોલીસવડા ડૉ. કારણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાપી ટાંકી ફળીયા વિસ્તારમાં દિલબહાદુર બાલબહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું CHC વાપી ખાતે પેનલ ડોક્ટરથી પી.એમ.કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઇડના કાનના પાછળના ભાગે ગંભીર ઇજા થવાના કારણે થયેલ હોવાનું તબીબે જણાવ્યું હતું.
જેથી હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા DySP બી. એન. દવે અને ટાઉન PI કે. જે. રાઠોડ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. હત્યારાને ઝડપી લેવા આસપાસના 200 જેટલા CCTV ચેક કર્યા હતાં. જે આધારે સંજય નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરતા તે બનાવના દિવસે રસ્તા પરથી પસાર થતો હતો. ત્યારે આ મૃતક અજાણ્યા આધેડ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે તેને બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હોવાનું કબુલ્યું હતું.
સામાન્ય બોલાચાલીમાં હત્યા કરનાર સંજય અંગે પોલીસે જણાવ્યું હતું કે, યુવક ઝનૂની સ્વભાવનો છે. તેમના માતા-પિતાના નામની કે તેના ભૂતકાળની અન્ય કોઈ જ માહિતી નથી. વર્ષોથી આ વિસ્તારમાં એકલવાયું જીવન છે. અને ભીખ માંગીને કે, કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઝનૂની સ્વભાવના આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલા પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આ ઝનૂની સ્વભાવના યુવકે જેની હત્યા કરી નાખી છે. તે દિલબહાદુર બાલબહાદુર કારકી 53 વર્ષની ઉંમરનો હતો. અને વાપી ટાંકી ફળીયા, સરસ્વતીનગર, સમર્થ રેસીડન્સી, સી બિલ્ડીંગ, ફ્લેટ નંબર.101 માં રહેતો હતો. અને ચાઈનીઝ ની દુકાનમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.