વાપીમાં તેરાપંથ સમાજમાં ભામાશાના રૂપમાં જાણીતા પરિવાર એવા ભીકમચંદ પવનકુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદ ની સુપુત્રી નિકિતા બૈદે 15 દિવસની તપસ્યા કરી છે. જે નિમિત્તે શનિવારે ભવ્ય ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકો ભક્તિ રસમાં મશગુલ બન્યા હતાં.
નિકિતા બૈદ ની આ 15મી તપ અનુમોદના અંગે ઉપસ્થિત તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ-વાપીના મીડિયા સલાહકાર સંજય ભંડારીએ વિગતો આપી હતી કે, વાપી તેરા પંચ સમાજના ભીકમચંદ પવન કુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદની સુપુત્રી નિકિતા બૈદે 15 મી તપસ્યા કરી પરિવારનું અને વાપી નું ગૌરવ વધાર્યું છે.
જૈન ધર્મમાં તપસ્યાનું એક અનેરૂ મહત્વ છે. નિકિતાએ 15 દિવસ સુધી માત્ર પાણીનો ઉપયોગ કરીને નિર્જળા ઉપવાસ કર્યા છે. જૈન ધર્મમાં આત્માની સુધીનો અને કર્મોની નિર્જળાને શુદ્ધ તપસ્યા માનવામાં આવે છે. જેમાં પાણી સિવાય અન્ય કોઈપણ પ્રકારની ખાદ્ય ચીજનો આહાર કરવામાં આવતો નથી. તેમની આ તપ અનુમોદના નિમિતે આયોજિત ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
બૈદ પરિવાર તેરા પંથ સમાજનો આધાર સ્તંભ માનવામાં આવે છે. ભામાશાના રૂપમાં આ પરિવારના સભ્યો હંમેશા જૈન સમાજમાં પોતાનું યોગદાન આપતા આવ્યાં છે. દર વર્ષે આ પરિવારમાંથી કોઈ એક મોટી તપસ્યા પણ કરે છે. પાછલા વર્ષે બે તપસ્યા આ પરિવારમાંથી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશીર્વાદથી તપસ્વીની નિકિતા બૈદની 15મી તપસ્યા નિમિત્તે ભવ્ય ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન દેવેન્દ્ર નાહટા, ગુલાબ બાંટિયા, મનીષ પગારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભજન સંધ્યામાં ગાયક વૃંદે સંગીતમય ભજનનો અલખ જગાવ્યો હતો. જેને માણી ઉપસ્થિત લોકો ભક્તિરસમા તરબોળ થયા હતાં.