વાપી :- વાપી ટાઉન પોલીસે વાપીના ભડકમોરા-સુલપડ અને ડુંગરા વિસ્તારમાંથી 2 બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ બંગાળી ઊંટવૈદોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બને ઝોલાછાપની ક્લિનિકમાંથી 25,295 ₹નો દવા-ઇન્જેક્શન-ક્રીમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ટાઉન પોલીસની એક ટીમે ભડકમોરા-સુલપડ વિસ્તારમાં ક્લિનિક ખોલીને બેસેલા ઉંટવૈદોના ક્લિનિક પર દરોડા પાડ્યા હતાં. જેમાં નીરંજન મોતીલાલ વિશ્વાસ નામના બોગસ તબીબની કલીનિકમાથી અલગ અલગ કંપનીની એલોપેથિક દવાઓ-ક્રીમ-ઇન્જેક્શન તેમજ સ્ટેથોસ્કોપ મળી કુલ 18,253 ₹નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલ નીરંજન મોતીલાલ વિશ્વાસ ગુરૂદ્રારા મંદિરની બાજુમાં લેકવ્યુ સોસાયટી, ફલેટ નં. – 203, ડુંગરા વિસ્તારમાં રહેતો હતો. જ્યારે મૂળ તે ચોગાસર, રસુલાપુર, થાના.ચાગદા, જિલ્લો નોધીયા, વેસ્ટ બંગાળનો વતની છે.
જ્યારે, પકડાયેલ બીજો બોગસ ડૉક્ટર નિહાર રંજન બિશ્વાસ વાપીના સુલપડ રોડ, ભડકોરા કાનજીભાઇની ચાલમાં રહેતો હતો. તે મૂળ ચરમંડલ નલડુંગરી, થાના. બંનગન, બાગદા જિલ્લો નોર્થ 24 પરગણા વેસ્ટ બંગાળનો વતની છે. પોલીસે તેમની પાસેથી અલગ અલગ કંપનીની એલોપેથિક દવાઓ તેમજ સ્ટેથોસ્કોપ મળી કુલ્લે 7,042 ₹ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે બંને બંગાળી ઉંટવૈદોના ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. ક્લીનિકમાં ગુજરાત મેડીકલ કાઉન્સીલીંગ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર તેમજ આધાર પુરાવા વગર ડૉક્ટર તરીકે ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા હતાં. તેમની વિરૂધ્ધમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ એક્ટ 1963 ની કલમ -30, 35 મુજબ ઇન્ચાર્જ નોડલ ફાર્માસિસ્ટને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.