સૌજન્ય… વલસાડ માહિતી ખાતું….
ચોમાસા પૂર્વે તૈયારીઓના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારી અંગે સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવશે.
બેઠકમાં જિલ્લા કલેકટરે આગામી ચોમાસુ-2024 દરમ્યાન તા.01/06/24 થી તાલુકા કક્ષાએ ત્રણ શિફ્ટમાં ચાલુ થનાર કંટ્રોલરૂમ, તાલુકામાં આવેલા ડેમ/કેનાલોની ચકાસણી તથા ભૂતકાળમાં નુકશાન પામેલા તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો/રસ્તાઓની વિગતો, વાહન વ્યવહાર માટે કરેલું વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન, તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી, યાંત્રિક હોડીઓ/તરવૈયા/બચાવ રાહતની ટીમની યાદી તૈયાર કરવી, ભુતકાળમાં વરસાદ/પુરથી અસર પામેલા ગામોની યાદી બનાવવી, હોડી/લાઈફ જેકેટ/લાઈફ બોયા(રીંગ)/નાયલોન દોરડા/જનરેટર કેટલા છે અને તે ચાલુ હાલતમાં છે કે કેમ તેની ખરાઈ કરવી, નગરપાલિકા હસ્તકનાં ડી-વોટરીંગ પમ્પનું હાલનું સ્ટેટસ તપાસવુ, પૂર/વાવાઝોડા સમયે અસરગ્રસ્તોને સહી સલામત સ્થળે ખસેડવાના આશ્રય સ્થાનો તથા કામ ચલાઉ રાહત કેમ્પો ચાલુ કરવાના સ્થળોની યાદીઓ તૈયાર કરવી. ફૂડ પેકેટ માટે સહાયરૂપ થાય તેવા NGO ની માહિતી તૈયાર રાખવી સહિતની જરૂરી સૂચનાઓ સંબંધિત વિભાગના અધિકારીઓને આપી હતી.
બેઠકમાં કલેકટરે લાયઝન/નોડલ ઓફિસરોને ફાળવવામાં આવેલા તાલુકા/વિસ્તારની મુલાકાત લઈ ગ્રામ્ય પંથકના સંપર્ક માટે સરપંચ/તલાટી/સ્વૈચ્છિક સંસ્થા વિગેરેના ટેલીફોન/મોબાઇલ નંબરની અધ્યતન ડીરેકટરી બનાવવા સૂચન કર્યુ હતું. વધુમાં ઉમેર્યુ કે, પાણી ભરાઇ જતા સ્થળાંતર કરવાની જરૂર જણાય તો કાર્યવાહી કરવી, આશ્રયસ્થાનો નકકી કરવા, આશ્રય સ્થાનો પર પાણી, ફુડ પેકેટ, દવા તથા જીવન જરૂરી તમામ આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવી. ડી વોટરીંગ કરવાની આવશ્યકતા જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.
કલેકટરે તમામ અધિકારીઓને દામીની એપ, મૌસમ એપ અને મેઘદૂત એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લામાં આવેલા તમામ રસ્તા પર નાળા, કોઝવે કે પુલ ડૂબાણમાં જતા હોય તેવા લોકેશનની યાદી બનાવી દરેક પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં મુકવા સૂચન કર્યુ હતું. ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ફિલ્ડમાં જ હોવા જોઈએ. આ બાબતે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહી. જિલ્લામાં એક્સપ્રેસ –વે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેકટોનું કામ ચાલી રહ્યું હોવાથી જમીન ખોદકામ અને પુરાણ થતા જમીનનું લેવલ બદલાયેલુ હોય છે જેથી આવા સ્થળોને ઓળખી પાણી ભરાવાના પ્રશ્નો દૂર કરવા જણાવ્યું હતું. પશુપાલન, બાગાયત અને ખેતીવાડી શાખાના અધિકારીઓને ચોમાસા દરમિયાન વિશેષ સતર્ક રહેવા જણાવ્યું હતું. ખાસ કરીને નુકસાની વળતરના કેસમાં તલાટી- ગ્રામ સેવકે નુકસાનીની વીડિયોગ્રાફી મોબાઈલમાં કરી લેવી જેથી વળતર મુદ્દે કોઈ મુશ્કેલી ન આવે.
નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાંએ માનવીય સંવેદનાસભર વલણ દાખવી અધિકારીઓને તાકીદ કરી કે, રસ્તા પર જ્યાં પણ ખાડા હોય તે આગામી 15 દિવસમાં વહેલી તકે પુરી દેવા. કારણ કે, ચોમાસામાં પાણી ભરાવાના કારણે ખાડા દેખાતા નથી અને ઘણીવાર લોકોના જીવ જાય છે. આ સિવાય વીજ કંપની, સિંચાઈ, આરોગ્ય, સિવિલ હોસ્પિટલ, પોલીસ, ગેસ કંપની, એસટી, આરટીઓ, હોમગાર્ડ, દમણગંગા સિંચાઈ વર્તુળ, પુરવઠા શાખા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બીએસએનએલ, તમામ પાલિકાના ચીફ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓ, રેલવે એરિયા મેનેજર અને વન વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે તમામને ચોમાસા દરમિયાન માનવ મૃત્યુ ન થાય તે માટે સૌને એલર્ટ રહેવા જણાવ્યું હતું. જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા તમામ અધિકારીઓને પીપીટી દ્વારા પોતાની કામગીરી વિશે ચિતાર આપવામાં આવ્યો હતો. બેઠકમાં સંબંધિત વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.